સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની 2 ઘટનાના વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. બંને ઘટના મોતને હાથ તાળી આપ્યાની છે. જેમાં એક ઘટનામાં એક બાસ્કેટ બોલના ખેલાડી પર બાસ્કેટ બોલની રિંગ તૂટી પડ્યા બાદ ગણતરીની સેકન્ડમાં ખેલાડીને તેમના ખેલાડી મિત્રો હેમખેમ બચાવી લે છે. જ્યારે બીજી ઘટનામાં એક દીકરી આત્મહત્યા કરવા ટેરેસ પર ચડે છે જેને તેના પિતા બચાવી લે છે.
પ્રથમ ઘટના મોટી દમણ ફોર્ટ એરિયામાં સ્પોર્ટ્સ કલબમાં આવેલા બાસ્કેટ બોલના મેદાનમાં ઘટી છે. જેનો વાયરલ વીડિઓ પણ સામે આવ્યો છે. જેમાં વહેલી સવારે કેટલાક યુવાનો બાસ્કેટ બોલ રમી રહયા હતા ત્યારે એક ખેલાડી પર અચાનક બાસ્કેટ બોલની રિંગ તૂટી પડી હતી,
બાસ્કેટબોલની આ રિંગ પર કાચની પ્લેટ લગાવેલી હોય છતાં પણ સદ્નસીબે જયારે રિંગ તૂટી પડી ત્યારે યુવકનો કાચના ટુકડાથી આબાદ બચાવ થયો હતો, અને યુવક રિંગ તૂટી પડયા બાદ પણ વિડીઓમાં આરામથી મેદાનની બહાર જતો જોવા મળ્યો હતો, ઘટનામાં રિંગ તૂટી પડ્યા બાદ તરત જ સાથી ખેલાડીઓ તેમની પાસે પહોંચી જાય છે અને તેને બચાવે છે.
બીજો વીડિઓ દાદરા નગર હવેલીનો હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં અગાસી પર સ્યૂસાઈડ કરવા જતી એક દીકરીને પિતા બચાવી લેતા જોવા મળી રહ્યા છે. જે અંગે મળતી વિગતો મુજબ સેલવાસમાં આપઘાત કરવાના હેતુથી એક યુવતી એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી હતી. આ જોઈ મોટી સંખ્યામાં આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. યુવતીના માતાપિતા પણ ટેરેસ પર દોડી આવ્યા હતા. તેઓ દીકરીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ દીકરી માનતી નથી. આખરે પિતા દીકરીને બચાવવા માટે તેનો હાથ પકડી લે છે. અને તે નીચે કૂદકો મારે તે પહેલા જ પિતાએ તેને નીચે ઉતારી લીધી હતી.
જો કે મનને વિચલિત કરતી આ બંને ઘટનાઓ આજના સમાજ માટે આંખ ઉઘાડનારી છે. કેમ કે જે મેદાનમાં બાસ્કેટ બોલની રિંગ તૂટી પડી તેના જેવા કેટલાય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર આવી સુવિધાઓ ઉભી કર્યા બાદ તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. જો સમયાંતરે મેઇન્ટેનન્સ કરવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય તેમ છે.