Thursday, November 21News That Matters

દાદરા નગર હવેલીમાં અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા!

 

 

 

 

 

સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના સામે વલસાડ જિલ્લા કરતા દોઢ ગણા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 2 મહિનામાં સેલવાસ મુક્તિધામ ખાતે 241 મૃતદેહોને અંતિમ સંસ્કાર કરાયા છે. જેમાં એપ્રિલ મહિનામાં જ 198 મૃતદેહોને અગ્નિસંસ્કાર કર્યા છે. પરંતુ સરકારી રેકોર્ડ મુજબ દાદરા નગર હવેલીમાં કોરોનાની બીમારીમાં માત્ર 3 દર્દીઓ જ મોતને ભેટ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સહિત પાટનગર સેલવાસમાં કોરોના સંક્રમણે ભરડો લીધો છે. સેલવાસની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. કેટલાય દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યા છે. પરંતુ, જેમ ગુજરાત સરકાર કોરોનામાં મૃત્યુુ પામનારા દર્દીઓનો સાચો આંકડો છુપાવી રહી છે તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ નું પ્રશાસન પણ મોતના આંકડા છુપાવી રહ્યું છે.

 

 

 

 

સંઘપ્રદેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં  કુલ ચાર લોકોના જ મોત નિપજ્યા હોવાનું અને એમાં પણ દાદરા નગર હવેલીમાં માત્ર ત્રણ જ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું છે. જોકે તેની સામે સેલવાસના મુક્તિધામમાં છેલ્લા બે મહિનામાં અગ્નિસંસ્કાર આપેલા મૃતદેહો અંગે વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે સેલવાસના મુક્તિધામમાં માર્ચ અને એપ્રિલ બે મહિનામાં 241 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા. એપ્રિલ માસમાં જ 198 મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપ્યા. જેમાં મોટાભાગના દર્દીઓ શંકાસ્પદ કોરોના પોઝિટિવ હતા જેને કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃત્યુદાહ આપવામાં આવ્યો હતો.

દાદરા નગર હવેલીમાં ઘરે અથવા ખાનગી હોસ્પિટલમાં મરણ પામેલા લોકોનું મૃત્યુ પ્રમાણપત્ર સેલવાસ પાલિકા આપે છે. એજ અન્ય પટેલાદોમાં પંચાયત આપે છે. તેમજ સેલવાસ સિવિલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ પત્ર સેલવાસ સિવિલ આપતી હોય છે આ તમામ નોંધ મુક્તિધામ ખાતે પણ થતી હોય છે. ત્યારે જે રીતે સરકારી અને ખાનગી હોસ્પિટલોએ કોરોના દર્દીઓના સાચા આંકડા બતાવવાનું ટાળી ઓક્સિજનની અને વેન્ટીલેટરની તંગી સર્જી દીધી છે. એવી રીતે જો કોરોનાના મૃત્યુની સાચી સંખ્યા બતાવવામાં નહિ આવે તો કદાચ આગામી દિવસમાં ગેસ અને લાકડાની તંગી સ્મશાનગૃહથી લઈને નાગરિકોના ઘર સુધી વર્તાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *