વાપીમાંથી પસાર થતા NH-48 પર છરવાળા ચોકડી પાસે ભારે ટ્રાફિકની સમસ્યા અને લાંબા ચકરાવામાંથી વાહનચાલકોને ટૂંક સમયમાં મુક્તિ મળશે. વલસાડ પોલીસ, વાપીના અગ્રણી નાગરિકો, પત્રકારોના પ્રયાસ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અહીંનો કટ ખોલવા સહમત થઈ છે. હાલ આ સ્થળે બેરિકેટ લગાવી સિગ્નલ લાઈટ, સાઈન બોર્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાનું વાપી ઔદ્યોગિક શહેર ગણાય છે. જેની મધ્યમાંથી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. દેશના સૌથી વધુ વાહનથી ધમધમતા આ હાઇવે પરથી વાપી ટાઉનમાં કે દમણ તરફ જતા વાહનચાલકો માટે તેમજ GIDC તરફ જતા વાહન ચાલકોએ ટ્રાફિક સહિત લાંબા ચકરાવાનો સામનો કરવો પડતો હતો. જે માટે હાઇવે પર છરવાળા ચોકડીનો અન્ડરપાસ મુખ્ય કારણ બનતો હતો. આ અન્ડરપાસ ઉપરથી પસાર થઈ વાપી ટાઉન કે GIDC તરફ જવા માટે નજીકમાં કોઈ કટ આપ્યો ના હોય મુશ્કેલી અને ટ્રાફિકનો સામનો વાહનચાલકોએ કરવો પડતો હતો.
આ સમસ્યાના સમાધાન માટે છરવાડા અન્ડરપાસ પછીનો કટ અને પેપીલોન ચોકડીના બ્રિજ પછીનો કટ ખોલવામાં આવે તો વાહનચાલકોને અનેકગણો ફાયદો થાય, ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે ધ્યાને લઇ વાપી ડિવિઝનના DySP બી. એન. દવે, સ્થાનિક અગ્રણી નાગરિકો અને સ્થાનિક પત્રકારોએ પ્રયાસ શરૂ કર્યો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. અધિકારીઓને રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરાવી સમસ્યાથી વાકેફ કરાવ્યાં હતાં. જેનાથી અવગત થઈ NHAI એ આ કટ ખોલવાની સહમતી બતાવી હતી.
હાલ છેલ્લા પાંચેક દિવસથી છરવાળા અન્ડરપાસ નજીક આકાર મોટર્સ સામે કટ ખોલવાની કામગીરી NHAI એ હાથ ધરી છે. આ સ્થળે બેરિકેટ લગાવી સાઈન બોર્ડ, સિગ્નલ લાઇટની કામગીરી આટોપી લેવાઈ છે. ટૂંક સમયમાં આ કટને ખોલી દેવામાં આવશે.
મળતી વિગત મુજબ આ સ્થળેથી વાહનચાલકો વાપી ટાઉન તરફ કે GIDC તરફ જવા ઉતરી શકશે. જેનાથી છરવાળા અન્ડરપાસ પાસે ટ્રાફિક ઓછો થશે. વાહનચાલકો લાંબા ચકરાવામાંથી બચી શકશે. ઇંધણ અને સમયનો પણ બચાવ થશે. આ પહેલને સ્થાનિક નાગરિકો, વેપારીઓ, વાહનવહાલકો બિરદાવી રહ્યા છે.