Friday, October 18News That Matters

હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ કરવા વાપી GIDC માં જાહેર માર્ગ પર ક્રેન મૂકી કરાયો ચક્કાજામ, બલિઠા માં નેશનલ હાઇવે નંબર 48 પર પણ ચક્કાજામ

કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન કેસમાં ઇજાગ્રસ્તને સારવાર માટે નહીં લઈ જાય તો તેવા ચાલક સામે કાયદેસરની સજા કરવાના બિલ ને લઈ હાલ ટ્રક ચાલકોમાં વિરોધનો સુર ઉઠ્યો છે. જે અંતર્ગત વાપી GIDC માં કોઈ ટીખળ ખોર ક્રેન ચાલકે જાહેર માર્ગ પર ક્રેન મૂકી ચક્કાજામ કરાવ્યો હતો. તો, બલિઠા નજીક હાઇવે નંબર 48 પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કરતા, પોલીસ, ટ્રાફિક શાખા, ટ્રાન્સપોર્ટ એસોસિએશન દોડતું થયું હતું. 
વાપી GIDC માં વિનંતી નાકા પાસે અને બલિઠા માં બોમ્બે રેસ્ટોરન્ટ સામે નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રન ના નવા કાયદાને લઈ કેટલાક ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં GIDC માં એક ક્રેન ચાલકે જાહેર માર્ગ પર ક્રેન આડી મૂકી રસ્તાને બ્લોક કરી દેતા ચક્કાજામ સર્જાયો હતો. જો કે આ સમગ્ર મામલે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ વિરોધ કોઈએ શાંતિ ડહોળવા કર્યો હોવાનું જણાવ્યું હતું.

વાપીમાં GIDC વિસ્તારમાં સરકારના નવા કાનૂન ને પરત લો એવા સૂત્રોચ્ચાર સાથે ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. ટ્રક ચાલકોએ એકઠા થઇ રસ્તા વચ્ચે ક્રેન મૂકી દીધી હતી. જેને લઈ બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણકારી મળતા GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી. જી. ભરવાડ, ટ્રાફિક શાખાના કે. ડી. પંથ, LCB સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવી ક્રેન કોણે મૂકી તે અંગે તપાસ હાથ ધરી હતી. એ જ અરસામાં નેશનલ હાઇવે પર બલિઠા નજીક પણ હાઇવે પર ચક્કાજામ કરતા ત્યાં પણ સમયસર પહોંચી પોલીસ વાહનવ્યવહાર યથાવત કરાવ્યો હતો.
અચાનક સરકારના નવા નિયમને લઈ જાહેર માર્ગ બ્લોક કરવાની આ ઘટના અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સેક્રેટરી બાલાજી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ટીખળ ખોરનું કાર્ય છે. હકીકતમાં હજુ કોઈ કાયદો બન્યો નથી. હિટ એન્ડ રનનો જે કાનૂન બનવાનો છે. તેનાથી ટ્રક ચાલકોને કેટલું નુકસાન થઈ શકે છે. તે અંગે એસોસિએશન દ્વારા મંત્રાલયમાં લેટર મોકલવામાં આવ્યો છે.
ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા દરેકને અપીલ કરવામાં આવી છે કે, ક્યાંય કોઈ કોઇપણ પ્રકારનો વિરોધ કરે નહિ છતાં આ કોઈની ચડામણીમાં વિરોધ કરાયો છે. જે દુઃખદ છે. ટ્રક ચાલકોને અપીલ કરી હતી કે, આવી કોઈ પણ પ્રકારની હરકત કોઈપણ ટ્રક ચાલક કરે નહિ. ઉલ્લેખનીય છે કે, એકાદ કલાકના ચક્કાજામ થી અનેક વાહનો અટવાયા હતાં. જે બાદ પોલીસે રસ્તો ખુલ્લો કરાવતા વાહનવ્યવહાર યથાવત થયો હતો. જો કે, રસ્તા વચ્ચે મુકેલી ક્રેનને હટાવવા જતા ક્રેન ચાલકે વિજપોલ ને નુકસાન પહોંચાડતા GEB ની ટીમને દોડતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *