Sunday, December 22News That Matters

વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારોના ભાવિ માટે ગુરુવારે મતગણતરી, 70 ટેબલ પર 101 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે

ગુરુવારે 8 ડિસેમ્બરે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા 35 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. સવારે 8 વાગ્યાથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં કુલ 386 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થશે. મત ગણતરી માટે અધિકારીઓથી માંડીને કર્મચારીઓ મળી કુલ 306 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. કુલ 5 બેઠક માટેની મતગણતરી માટે 70 ટેબલ ફાળવવામાં આવ્યા છે. જેના પર અધિકારીઓ કર્મચારીઓ 101 રાઉન્ડમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરશે.
વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 72.69 ટકા મતદાન થયા બાદ હાલમાં વર્ષ 2022ની ચૂંટણીમાં તા. 1 ડિસેમ્બરે 3.29ના ઘટાડા સાથે 69.40 ટકા મતદાન નોંધાયું હતું. 1 ડિસેમ્બરે વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર 35 ઉમેદવારો માટે નિષ્પક્ષ અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જિલ્લાના નોંધાયેલા 13,28,992 મતદારો પૈકી 9,22,349 મતદારોએ મતદાન કરતા કુલ મતદાન 69.40 ટકા નોંધાયું હતું.
હવે તા. 8 ડિસેમ્બર મતગણતરીના દિવસે ઉમેદવારોથી માંડીને મતદારો પણ ભારે આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ જશે. જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. મત ગણતરી માટે અધિકારીઓથી માંડીને કર્મચારીઓ મળી કુલ 306 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી થશે ત્યારબાદ EVMના મતની ગણતરી કરવામાં આવશે.
જિલ્લાની પાંચ બેઠકના કુલ 1395 મતદાન મથકો માટે એક વિધાનસભા સીટ દીઠ 14 ટેબલ ફાળવવામાં આવ્યા છે. એમ કુલ 5 બેઠક માટે કુલ 70 ટેબલ ફાળવવામાં આવ્યા છે. એક ટેબલ પર 3 કર્મચારીઓ મતગણતરી કરશે. જેમાં મતગણતરી સુપરવાઈઝર, મતગણતરી મદદનીશ અને માઈક્રો ઓબ્ઝર્વરનો સમાવેશ થાય છે.
178- ધરમપુર બેઠકના 290 મતદાન મથકો માટે 21 રાઉન્ડ
179- વલસાડ બેઠકના 274 મતદાન મથકો માટે 20 રાઉન્ડ 
180- પારડી બેઠકના 247 મતદાન મથકો માટે 18 રાઉન્ડ
181- કપરાડા બેઠકના 306 મતદાન મથકો માટે 22 રાઉન્ડ 
182 ઉમરગામ બેઠકના 278 મતદાન મથકો માટે 20 રાઉન્ડમાં મત ગણતરી સંપન્ન થશે. 
આમ કુલ 101 રાઉન્ડમાં જિલ્લાની પાંચેય બેઠક પર 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થતા ઈન્તેજારીનો અંત આવશે. મતગણતરીથી માંડીને વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ દરમિયાન પણ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓનો કાફલો ખડેપગે તૈનાત રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *