Monday, December 23News That Matters

વાપીમાં 10 દિવસના હસ્તકલા મેળામાં 100 સ્ટોલના વેપારીઓનું કોરોનાને આમંત્રણ, માસ્ક, થર્મલ ચેકીંગ, સોશ્યલ ડિસ્ટન્સ વગર વેંચાણ કરે છે!

વાપીમાં Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા હસ્તતકળા મેળાનું આયોજન કર્યું છે. મેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોટા મોટા બેનર લગાડવામાં આવ્યાં છે. જેમાં લખેલા કોરોના ગાઇડલાઈનના નિયમોનો મેળાના 100 જેટલા સ્ટોલ ધારકો જ ભંગ કરતા નજરે પડ્યા હતાં. ત્યારે વાપીવાસીઓ જાગૃત નહિ બને તો, આ મેળો વાપીમાં ફરી કોરોનાને પગપેસારો કરાવશે. 
શુક્રવારથી આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન થયું છે. પ્રવેશ દ્વાર પર મોટા મોટા બેનર લગાડ્યા છે. જેમાં કોવીડ -19 ને હરાવવા મુલાકાતીઓ તેમજ કારીગરો માટે અગત્યના સૂચનો લખ્યા છે.
આરોગ્યસેતુ એપ નો ઉપયોગ કરીએ…….
જો કે 100 જેટલા સ્ટોલ ધારકોને કે આવનાર મુલાકાતીઓને જોતા કદાચ મોટાભાગના લોકો આ નિયમનો અમલ કરતા હશે કે કેમ તે શંકા છે.
પરિસરમાં પ્રવેશ માટે થર્મલ સ્કેન કરાવવું…..
પરિસરમાં થર્મલ ગનની સુવિધા જ નથી તો કઈ રીતે થર્મલ ગન વડે સ્કેન કરવું
પરિસરમાં પ્રવેશ પહેલા સેનેટાઈઝરથી હાથ સ્વચ્છ કરવા….
પરિસરમાં માત્ર એક જ સ્થળે 2 સેનેટાઈઝર રાખ્યા છે. જ્યાં સિક્યુરિટી ખુદ માસ્ક વગર એકબીજાની નજીક ખુરશીઓ ખેંચી બેસેલા હતા અને ટોળટપ્પા કરતા હતાં. જ્યારે મુલાકાતીઓ બિન્દાસ્ત આવજા કરતા હતાં. સેનેટાઈઝરની સુવિધા માત્ર નામ પૂરતી છે.
પરિસરમાં ફેસ – માસ્ક પહેરવું ફરજીયાત છે…
આ નિયમનું તમામ મુલાકાતીઓ પાલન કરતા જોવા મળ્યા હતાં. પરંતુ સ્ટોલ ધારકો માસ્ક વગર જ દરેક ચીજો વેંચતા હતાં. કોઈક સ્ટોલમાં બે કે ત્રણ વેપારીઓ હતા પણ તમામ માસ્ક વગરના હતાં.
પરિસરમાં થુંકવાની સખ્ત મનાઈ છે….
હસ્તકળા મેળામાં પોતાની ચીજવસ્તુઓ વેંચવા આવેલા કેટલાક સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના કારીગરો હતા. જે હાથમાં માવો ચોળતા હતા, કોઈકના ગલોફામાં માવો અને ગુટખા ભરાવ્યાં હતાં. એ જ રીતે તેઓ ચીજવસ્તુઓનું વેંચાણ કરતા હતા.
પરિસરમાં પાન – મસાલા ખાવાની સખ્ત મનાઈ છે….. 
આ નિયમનું પણ ખુદ કારીગરો જ ઉલ્લંઘન કરતા હતાં.
સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરીએ….. 
દરેક સ્ટોલ પર ત્રણથી વધુ મુલાકાતીઓ ચીજવસ્તુઓ જોતા હતા અને ખરીદતા હતા.
હાથ મિલાવવાનું ટાળીએ……. 
સ્ટોલ ધારકોએ માસ્ક પહેર્યા નહોતા, હાથ મોજા પહેર્યા નહોતા દરેક ચીજવસ્તુઓ પોતાના હાથથી જ મુલાકાતીઓને બતાવતા હતા….
ડિજીટલ પેમેન્ટનો આગ્રહ રાખીએ, 10 વર્ષથી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વડીલો એ પ્રવેશ ટાળવો, સરકારશ્રીના અનલોકના તમામ નિયમો પાળીએ……
જો કે આ તમામ નિયમો પણ માત્ર લખવા ખાતર જ લખ્યા હતાં. મુલાકાતીઓ પોતાના બાળકો સાથે આવ્યાં હતાં. સગર્ભા મહિલાઓ પણ ખરીદી કરતી હતી. અને કોરોના ગાઇડલાઈનના તમામ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા છે. (Indext C) Industrial Extension Cottage દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજયના વાપી જેવા વિવિધ નગરોમાં હાથશાળ – હસ્તકલાના મેળાઓ યોજે છે. વાપીમાંં 10 દિવસ માટે
 GIDC એસ્ટેટમાં ગુંજન વિસ્તારમાં અંબા માતા મંદિર નજીક આવેલ રામલીલા મેદાનમાં  “હસ્તકલા પ્રદર્શન – સહ વેચાણ હાટ” નું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી દરમ્યાન યોજાયેલ આ મેળામાં જો આવી રીતે જ નિયમોના ધજાગરા ઉડશે તો મેળા બાદ વાપીમાં કોરોના વિસ્ફોટ થવો ચોક્કસ છે. એટલે ઘરે રહો સુરક્ષિત રહો અને મેળામાં જવાનું ટાળો એ જ કોરોના સામે રક્ષણ મેળવવાનો એકમાત્ર અકસીર ઈલાજ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *