વાપી :- NHSRCL(Nationale High speed rail corporation Ltd.) MAHSR (maharashtra) કોરિડોર પર મુંબઈ-અમદાવાદ વચ્ચે વાપી ખાતે પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર કરવામાં આવ્યો છે. 13.05 મીટરના આ પિલ્લર સિવાય અહીં અન્ય 2 પિલ્લર પણ આગામી એકાદ માસમાં તૈયાર થશે. વાપીમાં બુલેટ ટ્રેનના સ્ટેશને હાલ જોરશોરથી બાંધકામ ચાલી રહ્યું છે. જે માટે 13 થી વધુ પિલ્લર તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેશન 1200 મીટર લાબું સ્ટેશન હશે.
વાપી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કન્સ્ટ્રકશન કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતો મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર છે. આ કોરિડોર પર બની રહેલા 15થી વધુ પિલ્લર ની સરેરાશ ઉચાઈ આશરે 12-15 મીટર છે. જેમાં પ્રથમ તૈયાર કરવામાં આવેલ કાસ્ટેડ પીલ્લરની ચોક્કસ ઉચાઈ 13.05 મીટર છે, જે લગભગ 4 માળની ઈમારત જેટલી થાય છે. આ પિલ્લર 183 ઘન મીટર કોંક્રિટ અને 18.820 મેટ્રિક ટન સ્ટીલથી બનાવવામાં આવ્યો છે.
વર્તમાન કોરોના મહામારી અને ચોમાસાની ઋતુને કારણે માનવબળની તીવ્ર અછત અને અન્ય લોજિસ્ટિક્સ પડકારો હોવા છતાં પણ એજન્સી બાંધકામ કાર્યને તેજગતિએ આગળ વધારી રહી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવા માટેની એક્ઝિક્યુટિવ એજન્સી છે. જેના દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં દમણગંગા નદીના પટમાં બનનાર પુલ માટેની કામગીરી પણ શરૂ થવાની છે જે માટે જરૂરી સોઈલ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે.
મુંબઈ અમદાવાદ વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ હાથ ધર્યો છે. મોદી સરકારનો આ ડ્રીમ પ્રોજેકટ છે. વાપીમાં ડુંગરામાં એ માટે 600 કરોડના ખર્ચે 1200 મીટર લંબાઈનું અદ્યતન સ્ટેશન બનશે. L&T ને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ટેન્ડર મળ્યા બાદ વાપીના ડુંગરા વિસ્તારમાં હાલ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે પિલ્લર ઉભા કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. તો પ્રોજેકટ અંતર્ગત વલસાડ જિલ્લામાં જે લોકોની જમીન-મિલ્કતોનું વળતર ચૂકવવાનું છે તે તમામને 99 ટકા વળતર ચૂકવાઈ ગયું છે.
આગામી વર્ષ 2023માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. વાપીમાં એરપોર્ટ જેવા અદ્યતન સ્ટેશનને કારણે આ વિસ્તારનો અનેકગણો વિકાસ થશે. વાપી GIDC, દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોને આ ટ્રેન પ્રોજેક્ટ થકી ખૂબ મોટો લાભ મળશે. વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 52 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાંથી 50 એકર જમીનનું એલોટમેન્ટ મળી ગયું હોય તે જમીન પર બુલેટ ટ્રેનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે વધુ વિગતો જોઈએ તો NHRCL દ્વારા હાથ ધરાયેલ મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે. 508 કિલોમીટરનો બુલેટ ટ્રેન રૂટ છે. જેમાં 155 કિલોમીટર મહારાષ્ટ્રમાં, 4.3 કિલોમીટર દાદરા નગર હવેલીમાં અને 348 કિલોમીટરનો રૂટ ગુજરાતમાં હશે. જે મહત્વના 12 સ્ટેશનો છે. તેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર મહારાષ્ટ્રના સ્ટેશન જ્યારે વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ગુજરાતના સ્ટેશનો હશે. બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુંબઈ અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેન ગુજરાતમાં અમદાવાદ સુધીનું અંતર 3 કલાકમાં પૂરું કરશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023માં પૂર્ણ થયા બાદ તબક્કા મુજબ તેના કોચ અને ટ્રેનની સંખ્યામાં વધારો કરવામાં આવશે જે માટે વર્ષ 2053 સુધીની યોજના છે. જેમાં 2023માં 10 ટ્રેનના આવાગમન થી બુલેટ ટ્રેનની શરૂઆત કર્યા બાદ રોજની 35 ટ્રેન આ રૂટ પર દોડશે. દર 20થી 30 મિનિટના સમયાંતરે એક બુલેટ ટ્રેન 750 પ્રવાસીઓને મુંબઈથી અમદાવાદ વચ્ચે પ્રવાસ કરાવશે. જેે દૈનિક ધોરણ મુુજબ 17900 મુસાફરો બુલેટ ટ્રેન માં તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે. વર્ષ 2033 સુધીમાં 16 કોચ સાથેની 51 ટ્રેન આ રૂટ પર દોડશે અને રોજિંદા 31,700 મુસાફરોનું આવાગમન હશે. વર્ષ 2043માં 64 ટ્રેન આ રૂટ પર દોડશે જે દરેક ટ્રેન મુજબ 1250 મુસાફરો સાથે એક દિવસમાં અંદાજિત 56,800 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડશે. વર્ષ 2053માં આ રૂટ પર કુલ 105 ટ્રેન દોડશે, 16 કોચ અને 71 રેક સાથેની આ ટ્રેનમાં એક દિવસમાં 92,900 મુસાફરો મુસાફરીનો આનંદ માણસે.
વાપીમાં બનનારા 1,200 મીટર લાંબા રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓ માટે શોપિંગ મોલ, મનોરંજક રાઈડ પોઇન્ટ સહિતની અન્ય સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. હાઈ સ્પીડ રેલ મુંબઈમાં 26 કિલોમીટર સિવાય તમામ વાયાડક્ટ પર જમીન ઉપર એલિવેટેડ (10 થી 15 મીટર) ટ્રેક પર 320 કિમી/કલાકની ઝડપે કાર્યરત થશે, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશન (મુંબઈ) સિવાય તમામ સ્ટેશન એલિવેટેડ કરવામાં આવશે, ત્યારે, હાલ વાપીમાં બુલેટ ટ્રેનના પ્રથમ પિલ્લર સાથેનો પાયો નાખ્યા બાદ બીજા 13 જેટલા પિલ્લરનું તેજ ગતિથી ચાલતા બાંધકામને લઈને વાપીનું નામ દેશભરમાં ગુંજતું થયું છે.