Friday, October 18News That Matters

પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને GRD જવાનને 6 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં જમા મોટરસાયકલ છોડાવવા કોર્ટે માંગેલ પોલીસ અભિપ્રાય લખી આપવા પેટે 6 હજારની લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ અને GRD જવાનને ACB એ લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.  
પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન તરીકે ફરજ બજાવતા પ્રદિપ ગમન પટેલને મોટરસાયકલ છોડાવવા કોર્ટે માંગેલ પોલીસ અભિપ્રાય લખી આપવા બાબતે ફરિયાદી પાસેથી 6 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના મિત્રની મોટરસાયકલ ગુનાના કામે પારડી પો.સ્ટે.માં જમા હતી. જે છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગ્યો હતો, સદર કામે અભિપ્રાય આપવા બાબતે પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન તરીકે ફરજ બજાવતા પ્રદિપ ગમન પટેલે 15000 ની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 6000 નક્કી કરી હતી.
આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદ આધારે બુધવારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 6000 ની લાંચની રકમ સ્વિકારી હતી. જે દરમ્યાન ACB ની ટીમે સ્થળ ઉપર બન્ને આરોપીઓને પકડી પાડ્યા હતાં.
આ કાર્યવાહીમાં ટ્રેપીંગ અધિકારી વી. એસ. પલાસ, પોલીસ ઇન્સપેકટર, નવસારી  ACB અને સ્ટાફે સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણ મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરતના માર્ગદર્શન હેઠળ સફળ ટ્રેપની કામગીરી બજાવી હતી. ટીમે પારડી પોલીસ સ્ટેશનમાં પહેલા માળે લાંચિયા કર્મચારીઓને ઝડપી પાડતા જિલ્લાના પોલીસબેડામાં ફફડાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *