ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ઉમરગામ બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસે નરેશ વળવી ને ટીકીટ આપી છે. ભિલાડ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર નરેશ વળવી જિલ્લા પંચાયતની ચૂંટણી પણ જીત્યા છે. હાલ તેઓ ગુજરાત કોંગ્રેસ ST સેલના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. ત્યારે નરેશ વળવીએ દાવો કર્યો હતો કે, મતદારો પક્ષપાત ભૂલીને તેમને ઉમરગામના ધારાસભ્ય તરીકે ચૂંટશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 જાહેર થતા જ ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યની 182 બેઠકો પૈકી 43 બેઠકના કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. જેમાં વલસાડ જિલ્લાના 3 ઉમેદવારોના નામ પર મહોર મારી દીધી છે. જે પૈકી ઉમરગામ વિધાનસભા બેઠક પરના જાતીય સમિકારણોને ધ્યાનમાં રાખીને ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર નરેશભાઈ વળવીના નામની જાહેરાત કરી છે. આ અંગે નરેશ વળવીએ કોંગ્રેસ પાર્ટીનો આભાર માની ઉમરગામ બેઠક પર વિજય મળશે તેવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના મહત્વના કાર્યકર ગણાતા નરેશ વળવીએ જણાવ્યું હતું કે, તેમણે ભિલાડ ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે ચૂંટાઈને રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી હતી. જે બાદ 2015 થી 2020 સુધી તેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમણે સૌથી વધુ મત મેળવી જીત હાંસલ કરી હતી. તેઓ માને છે કે ઉમરગામના મતદારો તેમને ચાહે છે. પ્રજાના દરેક સુખ દુઃખના સમયે તેવો તેમની પડખે હરહંમેશ ઉભા રહ્યા છે. એટલે આ ચૂંટણીમાં પ્રજા જ તેમને ધારાસભ્ય તરીકે ચૂંટી વિજય અપાવશે.
નરેશ વળવીએ દાવો કર્યો હતો કે, ઉમરગામના મતદારો તેમને વ્યક્તિગત રીતે ઓળખે છે. એટલે પક્ષવાદ ભૂલીને પણ મતદારો તેમને મત આપશે. અને ધારાસભ્યની આ ચૂંટણીમાં જીત અપાવશે. ઉલ્લેખનીય છે કે,વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વારલી સમાજમાંથી આવતા નરેશ વળવી ખેડૂત ઉપરાંત વેપારી તરીકે ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બન્યા હતાં. બાદમાં જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા હતા. હાલ તેઓ ગુજરાત કોંગ્રેસ એસ ટી સેલના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે.