Tuesday, February 25News That Matters

ચૂંટણીમાં જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ ઉમરગામના પ્રાણ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી

વલસાડ જિલ્લાની ઉમરગામ બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા નરેશ વળવીએ પત્રકાર પરિષદ બોલાવી ઉમરગામ બેઠક પર વિજય મેળવશે તો ક્યાં મહત્વના કામોને પ્રાધાન્ય આપશે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે સમાજના વિવિધ વિકાસના મુદ્દે ભાજપ પર અને સ્થાનિક નેતા પર પ્રહારો કર્યા હતાં.

 

પત્રકાર પરિષદ માં 182-ઉમરગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતાં નરેશ વજીરભાઈ વળવીએ જણાવ્યું હતું કે, 182 ઉંમરગામ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન ભજપથી લોકો નારાજ હોવાનું ફલિત થઈ રહ્યું છે. ગામના મહત્વનાં કામોને ભાજપની સરકારે નજરઅંદાજ કરી, ઉદ્યોગપતિઓ અને માલેતુજારો તરફ ધ્યાન આપ્યું છે. જેથી આ વિસ્તારમાં ભાજપે પોતાની લોકચાહનાં ગુમાવી દીધી છે. 182 ઉમરગામ વિધાનસભા વિસ્તારનાં ઘણાં એવા કાર્યો છે જે ગત ટર્મના ધારાસભ્ય રમણલાલ પાટકરે કરવાનાં હતાં, પણ આ મહત્વનાં લોકહિતનાં કામો થયા નથી.
કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ જણાવ્યું હતું કે, જો હું ચુંટણી જીતીને આવું તો હું આ મહત્ત્વનાં કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપીશ. ઉમરગામ વિધાનસભા ક્ષેત્રમાં આવતી જર્જરિત આંગણવાડીનાં મકાનનું નવીનીકરણ, બહેનોને વધુ મહેનતાણું અપાવવું, સરકારી હોસ્પિટલોમાં આધુનિક સારવાર ડોક્ટરો અને આશા વર્કરોના વેતનમાં વધારો કરાવવા રજુઆત કરશે.
ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ ગુજરાતની છેલ્લી 182મી વિધાનસભા બેઠક છે. અહીં આદિવાસી સમાજના અને એમાં પણ વારલી સમાજના સૌથી વધુ લોકો વસવાટ કરે છે. જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓનો હક્ક છે. તેમના હક્ક માટે અને પૈસા એક્ટ હેઠળ આવતાં તમામ આદિવાસી હક્કોને માન્યતા અપાવવા રજૂઆત કરશે. તેવું જણાવી વળવીએ વધુમાં ઉમેર્યું હતું કે, 2002ની ચૂંટણી બાદ 2022ની ચૂંટણી માં વારલી સામે વારલી સમાજનો ઉમેદવાર છે. લોકો તેને વ્યક્તિગત ઓળખે છે. એટલે 100 ટકા જીત મળે તે માટે લોકો પોતે તેમના માટે મહેનત કરી રહ્યા છે.
ઉમરગામ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર તલવાડા ગામે ઓવરબ્રિજનું નિર્માણ, આવકના દાખલા, જાતિના દાખલા, રાશનકાર્ડ કઢાવવા તેમજ છૂટા પાડવાના કામમાં ગતિશીલતા લાવવી. લોકોને જમીનના ઉતારાઓની નકલ મેળવવા ખાવા પડતાં ધક્કામાંથી મુક્તિ મળે. GIDC તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે, દમણગંગા સુગર ફેકટરીના શેરહોલ્ડરો સાથે થયેલ ખીલવાડની તપાસ હાથ ધરી ન્યાય અપાવવો. કાંઠા વિસ્તારમા પ્રદુષણ ઓકતા ઔદ્યોગિક એકમો પર અંકુશ લગાવવો. એસ ટી બસ સેવા અને નારગોલ ડેપોને શરૂ કરાવવો, ઉમરગામ કાંઠા વિસ્તારમાં કોંગ્રેસે બનાવેલી અને હાલમાં જર્જરિત જેટ્ટીને પાટકરે તેમના 25 વર્ષના શાસનમાં નવીનીકરણ નથી કર્યું તેનું નવીનીકરણ કરવું, ભાઠી કરબેલી અને હુમરણ ગામની વારોલી નદીમાંથી ઔદ્યોગિક વિસ્તારમાં લઈ જવાતુ લાખો લિટર પાણી સામે GIDC ના અધિકારીઓ પાસે ગામનાં વિકાસ માટે વિકાસલક્ષી કામ અને વાર્ષિક ફંડફાળો પંચાયતમાં જમાં કરાવવો, ઉમરગામ નારગોલ સમુદ્ર માર્ગને લાગુ વારોલી નદીના ડેલ્ટાની ખારલેન્ડની જમીન મત્સ્યોદ્યોગ મંડળનાં નામે રીન્યુ કરવાનાં, જમીનનું ધોવાણ અટકાવવા જમીનમાં મૅગ્રોવ્ઝનું વનીકરણ કરવા સહિતના કામોને પ્રાથમિકતા આપશે તેવી ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ તાલુકામાં 25 વર્ષથી ચૂંટાઈ આવેલા ભાજપના રમણલાલ પાટકર સામે વિકાસના કામોને લઈ ઉમરગામ શહેર, નારગોલ સહિતના કામોમાં ખેડૂતો,માછીમારો, બેરોજગાર યુવાનોમાં ભારે વિરોધ હોવાનું જણાવી કોંગ્રેસના ઉમેદવારે પોતાના વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *