Friday, October 18News That Matters

ડહેલીના તલાટી વિરુદ્ધ નાણાંની ઉચાપત અને ડુપ્લીકેટ ઘરવેરા રસીદ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની DDO ને રાવ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામ પંચાયતના માજી સરપંચે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વર્તમાન તલાટી સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કરી છે. ડહેલી પંચાયતના માજી સરપંચ કંચન બેન વરઠાએ તલાટી કમ મંત્રી મુકેશ પ્રજાપતિ સામે ડુપ્લીકેટ ઘરવેરા રસીદ બનાવી નાણાની ઉચાપત, ભ્રષ્ટાચાર આચર્યા હોવાની ફરિયાદ કરી છે. જેને લઈ વલસાડ જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચ્યો છે.


ડહેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મુકેશ પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો સાથેની લેખિત ફરિયાદ કરનાર માજી સરપંચ કંચનબેન સુનિલભાઇ વરઠાએ જણાવ્યું છે કે, ઉમરગામ તાલુકાના ડહેલી ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતાં તલાટી કમ મંત્રીએ ભ્રષ્ટાચાર આચરી સરકારી નાણાંની ઉચાપત કરી છે. જેની સામે ખાતાકિય તપાસ કરવામાં આવે. તલાટી એ પંચાયતના રેકોર્ડ સાથે ચેડા કર્યા છે. જેથી તેની તાત્કાલિક બદલી કરવામાં આવે. આ બાબતે ઓગસ્ટ 2022માં વિકાસ કમિશનર કચેરીમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ હાલમાં વલસાડ જિલ્લાના DDO ને લેખિત રજુઆત કરવામાં આવી છે.


DDO ને રજુઆત કરતા પત્રમાં અરજદારે જણાવ્યું છે કે ડડેલી ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી મુકેશ પ્રજાપતિ સામે ઓગસ્ટ 2022માં કરેલી ફરિયાદ ની તપાસ ક્યા તબ્બકે છે તેની જાણ કરવા વિનંતી છે. અગાઉની તપાસ હજુ પુર્ણ થયેલ નથી તેમ છતાં ડહેલી ગ્રામ પંચાયતમાં કરજ બજાવતા તલાટી કમ મંત્રી દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે. તલાટી એ પંચાયતમાં ઘરવેરાના ભરણા માં ફાડેલ રસીદ ના નાણાં રોકડામાં ઉઘરાવેલ છે. જેની નમુનો નં.9 ના રજીસ્ટરમાં એન્ટ્રી પડેલ નથી. જેથી ડુપ્લીકેટ રસીદ બનાવી હોય એવું માલુમ પડે છે. ગ્રામ પંચાયતના વેરા ના નાણા ની ઉચાપત થઈ છે. જેની સામે વહેલી તકે તપાસ થવી જરૂરી છે.


ઉમરગામ તાલુકામાં અગાઉ અલગ અલગ ગામોમાં ફરજ બજાવી હાલમાં ડહેલી પંચાયત માં ફરજ બજાવતા મુકેશભાઈ તલાટીએ જ્યાં પણ કરજ બજાવી છે. ત્યાં દરેક સ્થળે આવા કૌભાંડો કર્યા છે. જેની તપાસ થવી જોઇએ. ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામ પંચાયતમાં ઘરવેરાની ડુપ્લીકેટ રસીદ બનાવી નાણા ઉંચાપત કર્યા ની દહેશત છે. જેની પુરાવા રૂપી વિગત આપતી રસીદો અરજદારે રજૂ કરી છે. જેમાં પંચાયત હેઠળના અલગ અલગ ઘર નંબરના ઘરવેરાની રકમ અનુક્રમે રૂપિયા 2490, રૂપિયા 8210, રૂપિયા 15410ની માંગણા ની રસીદ મિલ્કતધારકો ને આપી છે. પરંતુ, રજીસ્ટરમાં એન્ટ્રી થયેલ નથી. આ માંગણા રજીસ્ટર માં છેકછાક કરી નાણાકિય ગોલમાલ કરી છે.  વેરાપાવતી અને માગણા રજીસ્ટર એમ બંને માં તફાવત છે જે શંકાઓ ઉપજાવે છે.


તલાટી એ ફરજમાં બેદરકારી દાખવી એક મિલ્કતધારકના મિલકતની નોંધણી પણ પંચાયત બોડી ની જાણ બહાર એટલે કે મંજુરી (બહાલી) વિના જ કરી નાખી છે. નોંધણી માટે ખોટા સોગંદનામા કરાવી તલાટીએ મિલકત ધારક પાસેથી મોટી રકમ લઇ ભ્રષ્ટાચાર આચરેલ છે. ઉપરોક્ત બાબતે તલાટી મુકેશભાઇ વિરૂધ્ધ વારંવાર કરીયાદ થતી આવેલ છે. અને ફરજ દરમ્યાનના તમામ ગામ પંચાયતમાં કોભાંડો કરતા આવેલ છે. ત્યારે, નાણાં ની ઉચાપત કરેલ છે કે નહી તેની તમામ તપાસ થવી જરૂરી છે. આ તલાટી ને તાત્કાલીક અસર થી ફરજ મોકુક કરી તમામ રેકોર્ડ (દફતર) ઉચ્ચ અધિકારીનાં કબ્જામાં લઈ યોગ્ય તપાસ કરવામાં આવે.


અરજદાર માજી સરપંચે DDO ને કરેલી ફરિયાદમાં અન્ય માજી સરપંચ, સભ્યો, સામાજિક કાર્યકરની સહી લેવામાં આવી છે. જે તમામની સહી સાથેની લેખિત ફરિયાદની  એક એક કોપી વલસાડ જિલ્લા કલેકટર, વિકાસ કમિશનર ગાંધીનગર અને ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર ને પણ મોકલી છે. જેને લઈ વલસાડ જિલ્લા પંચાયતમાં તેમજ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખળભળાટ મચ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *