ગુજરાતમાં વાપી, વલસાડ, નવસારી સુરત, ભરૂચ, વડોદરા રેલવે સ્ટેશન ભલે દમણ-સેલવાસના દારૂની હેરાફેરી માટે વગોવાયેલું હોય પરંતુ તેમ છતાં દેશના રેલવે સ્ટેશન પર કાર્યરત RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા વર્ષ 2022માં માર્ચ મહિના સુધીમાં અનેક સરાહનીય કામગીરી કરી છે. RPFને રેલ્વે સંપત્તિ, પેસેન્જર એરિયા, મુસાફરો અને તેની સાથે જોડાયેલ બાબતોની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલિત કાર્યવાહી કરતી વખતે રેલ્વે સુરક્ષા, મુસાફરોની સુરક્ષા અને મુસાફરોને સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી મહત્વની સફળતા મેળવી છે.
આ અંગે PIB દ્વારા વિવિધ ઘટનાઓ સંદર્ભે આપેલી વિગતો મુજબ મુસાફરો ઉતાવળમાં ચાલતી ટ્રેનમાં ચઢવાનો/ઉતરવાનો પ્રયાસ કરે છે, લપસી જાય છે અને ટ્રેનના પૈડા નીચે આવી જવાના જોખમ સાથે પડી જાય છે. અથવા તો જાણી જોઈને ચાલતી ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. જેના પર અંકુશ મેળવા રેલવેએ મિશન “જીવન રક્ષા” અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ RPFના જવાનોએ, પોતાનો જીવ જોખમમાં મૂકીને માર્ચ 2022 મહિના દરમિયાન 74 (50 પુરુષ + 24 સ્ત્રી) વ્યક્તિઓને તેમજ વર્ષ 2022ના માર્ચ સુધીમાં કુલ 178 વ્યક્તિઓ (106 પુરુષ અને 72 સ્ત્રી) ને બચાવ્યા છે.
“ઓપરેશન નન્હે ફરિસ્તે” હેઠળ આરપીએફ વિવિધ કારણોસર તેમના પરિવારથી ખોવાઈ ગયેલા/વિખૂટા પડી ગયેલા બાળકોની સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને જરૂરી મદદ પુરી પાડે છે. આ ઉમદા કાર્ય હેઠળ માર્ચ મહિનામાં 1420 બાળકો (954 છોકરાઓ + 466 છોકરીઓ)ને મદદરૂપ થયા છે. તો વર્ષ 2022માં માર્ચ સુધીમાં 3621 બાળકો (2442 છોકરાઓ અને 1179 છોકરીઓ) કાળજી અને સુરક્ષા પુરી પાડી છે. જેઓએ ભારતીય રેલ્વેનો સંપર્ક કર્યો હતો.
RPF કર્મચારીઓ ખાસ કરીને મહિલા RPF કર્મચારીઓ, “ઓપરેશન માતૃશક્તિ” હેઠળ સગર્ભા સ્ત્રીઓ, જે ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રસૂતિમાં જાય છે, તેમને બાળજન્મમાં મદદરૂપ થઈ છે. મહિલા RPF કર્મચારીઓએ માર્ચ 2022 માં 10 અને વર્ષ 2022ના માર્ચ સુધીમાં 26 મહિલા મુસાફરોને સહાય પૂરી પાડી તેમના નવજાત શિશુને આ સુંદર દુનિયામાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઘણા મુસાફરો ટ્રેનમાં ચઢતી વખતે અથવા સ્ટેશન પર ઉતરવામાં ઉતાવળ કરી બેસે છે. ત્યારે તેમનો કિંમતી સામાન લેવાનું ભૂલી જાય છે. “ઓપરેશન અમાનત” હેઠળ, RPF કર્મચારીઓ આવા સામાનને સુરક્ષિત કરી યોગ્ય માલિકોને પરત કરવામાં મદદ કરે છે. RPF એ માર્ચ 2022 દરમ્યાન આવા 2000 હજારથી વધુ મુસાફરોને તેમનો સમાન પરત કર્યો છે. જ્યારે વર્ષ 2022માં માર્ચ સુધીમાં 5337 મુસાફરોને અંદાજિત 9.15 કરોડનો કિંમતી સમાન પરત સુપ્રત કર્યો છે.
માદક દ્રવ્યોની દાણચોરી માટે પણ રેલ માર્ગ મુખ્ય માર્ગ છે. RPFએ રેલ્વે મારફતે થતી માદક દ્રવ્યોની દાણચોરીને રોકવા માટે ઓપરેશન NARCOS શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ આરપીએફએ 3.12 કરોડથી વધુની કિંમતની નાર્કોટિક પ્રોડક્ટ્સ જપ્ત કરી છે. માર્ચ 2022 ના મહિના દરમિયાન 91 વ્યક્તિઓની ધરપકડ સાથે 3.12 કરોડ રૂપિયા જ્યારે વર્ષ 2022ના માર્ચ સુધી માં 245 વ્યક્તિઓની ધરપકડ સાથે કુલ 9.97 કરોડના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યાં છે.
RPF “ઓપરેશન WILEP” હેઠળ રેલ મારફતે વન્યજીવ, પ્રાણીઓના અંગો અને વન પેદાશોની દાણચોરી સામે કાર્યવાહી કરી રહ્યું છે. માર્ચ 2022ના મહિનામાં RPFએ 01 વ્યક્તિની ધરપકડ સાથે 03 કેસ શોધી કાઢ્યા હતાં જેમાં દરિયાઈ ઘોડા, પારકીટ્સ, પાણીના પક્ષીઓ વગેરે જેવી પ્રજાતિઓના જીવોને સુરક્ષિત વન વિભાગને સોંપ્યા છે. 2022 ના માર્ચ સુધી માં 17 વ્યક્તિઓની ધરપકડ અને વન્યજીવન/પ્રાણીઓ, જંગલ ઉત્પાદનો જેવા કે જંગલના લાકડા, પક્ષીઓ, ગીધ, કાચબા વગેરેની પુનઃપ્રાપ્તિ સાથે 19 કેસ શોધી કાઢવામાં સદળતા મેળવી છે.
RPF રેલ પર સેન્ટિનલ તરીકે કામ કરે છે અને “ઓપરેશન રેલ પ્રહરી” હેઠળ તેમના સંબંધિત વિસ્તારોમાંથી નોંધાયેલા ગંભીર કેસોની અટકાયતમાં રાજ્ય પોલીસ/કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) ને મદદ કરે છે. 2022 માં માર્ચ સુધીમાં RPF એ હત્યા, બળાત્કાર, લૂંટ, ચીલઝડપ, ઘર ફોડ ચોરી, અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની શોધ અને ધરપકડના 20 કેસોમાં પોલીસ/LEA ને મદદ કરી છે.
RPF ઓપરેશન ડિગ્નિટી હેઠળ સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા નિરાધાર, લાચાર, માનસિક રીતે અસ્વસ્થ, તસ્કરી કરાયેલ પુખ્ત વયના લોકોને પણ બચાવે છે અને તેમને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરવામાં અથવા એનજીઓના સહયોગથી તેમને આશ્રય ગૃહોમાં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. RPFએ 2022માં (માર્ચ સુધી) 331 પુરૂષો અને 431 સ્ત્રીઓ મળી કુલ 762 પુખ્તોને સુરક્ષિત કર્યા છે. RPF કર્મચારીઓ સતર્કતા, સુરક્ષા અને સેવાના ત્રિવિધ ઉદ્દેશ્યોને પૂરા કરવા અને “યશો લાભસ્વ” અથવા “સન્માન પ્રાપ્ત કરો”ના સૂત્રને સાકાર કરવા સમગ્ર દેશમાં ચોવીસ કલાક ખંતપૂર્વક ફરજ બજાવી વર્ષ 2022માં મહત્વની સફળતા મેળવી છે.
જો કે એક વાત એ પણ છે કે RPF ની દેશ લેવલે જેટલી સારી કામગીરી છે તેની સામે વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા જેવા રેલવે સ્ટેશનોએ દમણ, સેલવાસથી થતી દારૂની હેરાફેરીમાં પણ સામેલગીરી હોવાનું અવારનવાર છતું થયું છે. ત્યારે આ બદીને નાબૂદ કરવામાં પણ RPF અને GRPF સંકલન સાધી પોતાની નિષ્ઠા પૂર્વકની ફરજ બજાવે તે પણ ઇચ્છનીય છે.
નોંધ… તમામ ફોટો સોશ્યલ મીડિયા સૌજન્ય તરફથી લીધેલ ફાઇલ ફોટો છે…….