નારગોલ :- બુધવારે હજીરાથી મૅગ્લોર સ્ટીલ કોઈલ ભરીને નીકળેલાં જહાજ MV કંચનના એન્જીનમાં ખરાબી સર્જાતા તેમાં ફસાયેલા 12 મેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના MV હર્મિઝ દ્વારા રેસ્ક્યુ કરાયા હતાં. બુધવારે રાત્રે 12 કૃમેમ્બરોને રેસ્ક્યુ કર્યા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ બીચ પરથી ગુરુવારે મરીન પોલીસને 2 લાઈફ સેવિંગ રબ્બર બોટ અને GMDSS (GLOBAL MARINE DISTRESS AND SAFETY SYSTEM) નામનું ઇમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં જહાજના માલિકને દરિયામાં ઓઈલનું પ્રદુષણ ફેલાવવા બદલ કલમ 356 J હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે.
ઉમરગામ તાલુકાના નારગોલ બંદર નજીક દરિયામાં ગુજરાતનું MV કંચન નામનું જહાજ ફસાયું હતું. 50 નોટિકલ માઇલના ઝડપે ફૂંકાતા પવન અને 3.5 મીટર ઉછળતા મોજામાં ફસાયેલા જહાજના 12 કૃમેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે. જેની ખાલી લાઈફ સેવિંગ બોટ માલવણ બીચ પરથી અને નારગોલ માંગેલવાડના દરિયા કિનારેથી જહાજનું ઇમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું છે.
Indian Coast Guard (ICG) દ્વારા વિગતો આપવામાં આવી હતી કે ગુજરાતના ઉમરગામ નજીકના દરિયામાં 12 કૃમેમ્બરો સાથેનું MV Kanchan નામનું જહાજ ફસાયું છે. જેના કૃમેમ્બરોને બચાવવામાં આવે એવો મેસેજ મળ્યો હતો. આ જહાજ હજીરાથી મૅગ્લોર જતું હતું. 32 વર્ષ જુના કાર્ગો શિપમાં સ્ટીલ કોઈલ ભરેલ હતી. મેસેજ મળ્યા બાદ કોસ્ટ ગાર્ડે તેમના MV હર્મિઝ મારફતે 12 કૃમેમ્બરોને બચાવી લીધા છે. જહાજના ફ્યુલમાં અને એન્જીનમાં પાણી ભરાતા એન્જીન ખરાબ થયું હતું. વીજ પુરવઠો ખોરવાયો હતો. જે અંગે આસપાસના અન્ય જહાજ મારફતે સંપર્ક સાધી મોડી રાત્રે Maritime Rescue Coordination Centre (MRCC) મુંબઈ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
આ રેસ્ક્યુ ઓપરેશન બાદ કૃમેમ્બરોને બચાવવા દરિયામાં ઉતારેલી ભારતીય બનાવટની 2 લાઈફ બોટ નારગોલ-માલવણ બીચ પર તણાઈ આવી હતી. બંને લાઈફ સેવિંગ રબ્બર બોટ ખાલી હતી. એ ઉપરાંત નારગોલ માંગેલવાડના દરિયા કિનારેથી એમ.વી. કંચન જહાજનું એક ઇમર્જન્સી સિગ્નલ માટેનું ઉપકરણ (GLOBAL MARINE DISTRESS AND SAFETY SYSTEM) GMDSS સ્થાનિક માછીમારોને મળી આવ્યું હતું જેની ઉપર જહાજનું નામ લખેલું હોય આ ઉપકરણ અંગે મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઉપકરણ અને 2 લાઈફ સેવિંગ બોટનો કબ્જો લીધો હતો.
મરીન પોલીસ સ્ટેશન પોલીસે બંને લાઈફ સેવિંગ રબ્બર બોટ અને ઇમર્જન્સી સિગ્નલ માટેના ઉપકરણનો કબ્જો લીધો છે. અને લાગતી વળગતી એજન્સીને તેમની જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હવા ભરેલ લાઈફ સેવિંગ બોટ કદાચ કૃમેમ્બરોને બચાવવા માટે કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ઉતારી હશે. જે બાદ કૃમેમ્બરોને રેસ્ક્યુ કરી લેતા લાઈફ સેવિંગ રબ્બર બોટ દરિયાના મોજા સાથે કાંઠે આવી હશે. એ જ રીતે મળી આવેલું ઇમર્જન્સી સિગ્નલ પણ ચાલુ હાલતમાં છે.
આ તરફ MV કંચન નામના કાર્ગો જહાજ અંગે દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરથી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં દમણ કોસ્ટ ગાર્ડને જહાંજનો કેટલોક ભંગાર અને દરિયાના પાણીમાં ઓઇલ પથરાયું જોવા મળતા તે અંગેની વિગતો Directorate General of Shipping (DG) ને આપતા તેમના દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ કલમ 356 J હેઠળ MV Kanchan કાર્ગો શિપના માલિકને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે આ જહાજને ઇમર્જન્સી ટોઇંગ વેસેલ્સ દ્વારા ટોઇંગ કરી શકાય તે માટેની કવાયત પણ હાથ ધરાઈ હતી. જો કે તે બાદ તે જહાજ ટોઇંગ થયું કે કેમ તે અંગે વધુ વિગતો મળી નથી.