Friday, January 31News That Matters

ચણોદ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રસ્તાના મુદ્દે જમીન માલિકો વચ્ચે બોલાચાલી

વલસાડ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી ચણોદ ગ્રામ પંચાયતમાં ગુરુવારે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ સભામાં વિવિધ વિકાસના કામોને લઈ રજુઆત કરવા ગામલોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં રસ્તાને લઈ 2 જમીન માલિકો આમને સામને આવી જતા ગ્રામસભા તોફાની બની હતી. 
ચણોદ ગ્રામ પંચાયત ખાતે ગુરુવારે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સરકારી અધિકારીઓની હાજરીમાં આયુષમાન યોજના અને કિસાન નિધિ યોજના અંગે લાભાર્થીઓને લાભ લેવાની ભલામણ કરવામાં આવી હતી. ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામલોકોએ પણ ગામમાં ખુલ્લી ગટરને કારણે સર્જાતી ગંદકી સહિતની સમસ્યા અંગે રજુઆત કરી હતી.
જો કે તે બાદ અચાનક ગ્રામ સભા 2 જમીન માલિકોને કારણે તોફાની બની હતી. ગામમાં આવેલ પ્રાઇવેટ જમીનમાંથી રસ્તો કાઢવાનો ઠરાવ પંચાયતે કર્યો હતો. જે મામલે નારાજ જમીન માલિકે ઉગ્ર વિરોધ કર્યો હતો. બને જમીન માલિકો એકબીજા સામે તુતું મૈં મૈ પર આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. તણાવભર્યા માહોલને માપી આખરે ગ્રામસભાના મુખ્ય કર્તાધર્તા એવા ગામના સરપંચ, તલાટી, સભ્યોએ આ મામલે જમીન માલિકો સિવિલકોર્ટનો સહારો લે તેવી વાત કરી ચાલતી પકડી હતી.
ગ્રામસભામાં અન્ય કેટલાક ગામલોકોએ ગ્રામ સભામાં માત્ર સ્થાનિકને જ સભ્ય બનાવવા તેવી રજુઆત કરતા તે મામલે અન્ય રાજ્ય કે જિલ્લાના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. વર્ષોથી આ જ ગામમાં રહેતા હોય, આ જ ગામના મતદારો હોય સભ્યપદ કેમ ના મેળવી શકે તેવી ઉગ્ર રજુઆત કરતા વાતાવરણ ફરી એકવાર વધુ તંગ બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચણોદ ગ્રામપંચાયત વલસાડ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. ગામની નજીક વાપી GIDC આવેલ છે. તેથી ગામમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો પણ વસવાટ કરે છે. સતત વિકસતા ગામમાં આ પહેલા પણ પંચાયત દ્વારા બિલ્ડરોને ઘી-કેળાં કરાવતા મનમાંનીભર્યા ઠરાવ થઈ ચૂક્યા છે. અનેક વખત ગ્રામપંચાયત વિવાદમાં આવી છે. સરપંચ, તલાટી સહિત સભ્યો પર અનેક વખત ગંભીર આક્ષેપ થયા છે. ત્યારે ફરી એકવાર ગ્રામસભામાં એવો જ તણાવભર્યા માહોલ સર્જાતા આ અંગે આગામી દિવસોમાં ફરી નવો રાજકીય રંગ જોવા મળશે તેવી ચર્ચા ગ્રામજનોમાં ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *