ભાવનગરના તળાજા ગામે આહીર જ્ઞાતીના સમુહલગ્નના કાર્યક્રમમાં ગીગા ભમર નામના વ્યક્તિએ ચારણ ગઢવી સમાજ વિશે તેમજ પરમપુજય આઈ શ્રી સોનલ માતાજી વિશે અપમાન જનક ટિપ્પણી કરી છે. જેને લઈને સમગ્ર ચારણ સમાજની લાગણી દુભાઇ છે. આ મામલે વલસાડ માં પણ ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ-નવસારીના આગેવાનો દ્વારા તળાજાના ગીગા ભમર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ કલેકટર અને વલસાડ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું.
ગત 14મી ફેબ્રુઆરી 2024 ના ભાવનગર જિલ્લાના તળાજા ગામે આહીર જ્ઞાતીના સમુહલગ્નના કાર્યક્રમમાં આહિર સમાજના ગીગા ભમર દ્વારા ચારણ ગઢવી સમાજ વીષે તથા ચારણ સમાજની દિકરીઓ તથા ચારણ સમાજમાં જન્મ લીધેલ પરમપુજય આઈ શ્રી સોનલ માતાજી સહિત અન્ય માતાજીઓ વિશે ખુબજ અપમાન જનક અને અભદ્ર વાણીવિલાસ કર્યો છે.
આ ઘટનાને લઈ સમગ્ર ચારણ સમાજની લાગણી દુભાઇ છે. જેથી ગીગા ભમર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવા સાથે ફરિયાદ નોંધાવવા સુધીની તજવીજ કરવામાં આવી છે. જે અંતર્ગત વલસાડમાં પણ ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ-નવસારીના આગેવાનો દ્વારા તળાજાના ગીગા ભમર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ કલેકટર અને SP ને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ગીગા ભમરના આ બફાટે ચારણ ગઢવી સમાજ તથા આહીર સમાજ વચ્ચ દ્રેષ અને મતભેદ ઉભા કરવાનું નિંદનિય કૃત્ય કર્યું હોય તેને વખોડયું હતું.
વલસાડ કલેકટર અને વલસાડ જિલ્લા પોલીસવડા ને અપાયેલ આવેદનપત્રમાં ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ-નવસારીના આગેવાનોએ જણાવ્યું છે કે, ગીગાભાઈ ભમર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-295-એ નો સ્પષ્ટ ઉલ્લંઘન કરેલ છે. તેમના વક્તવ્યએ ભારતીય દંડ સહિતાની કલમ-153-એ અને 504 અન્વયે કાયદાનો ભંગ કરેલ છે.
આ બાબતે સમગ્ર ગુજરાત અને દેશમાં વસતા તમામ જ્ઞાતીના શક્તિ ઉપાસકોની ધાર્મીક ભાવનાને ઠેસ પહોચાડી ચારણ-આહીર સમુદાય વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવામાં આવેલ છે એ સંદર્ભે સત્વરે ફોજદારી ગુન્હો દાખલ કરી જરૂરી પગલા લેવામાં આવે તેવી સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા રજુઆત કરી માંગ કરી હતી.