1લી જાન્યુઆરી 2025 (વિક્રમ સંવત પોષ સુદ બીજ 2081 )ના ‘આઈ શ્રી સોનલ માઁ’ નો 101મો પ્રાગટય દિન છે. આ દિવસને ચારણ-ગઢવી સમાજ ‘સોનલ બીજ’ તરીકે ઉજવે છે. જે અંતર્ગત વલસાડ, નવસારી જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વસતા ચારણ-ગઢવી સમાજ “ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ”ના નેજા હેઠળ વલસાડમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે 38માં પરમ પૂજ્ય આઈ શ્રી સોનલ માં જન્મોત્સવ પર્વની ઉજવણી કરશે. આ દિવસે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષિત બનો, સંગઠીત બનો, વ્યસન મુક્ત બનોનો સંદેશ આપનાર ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક આઈ શ્રી સોનલ માઁ નો 1લી જાન્યુઆરી 2025 (વિક્રમ સંવત પોષ સુદ બીજ 2081 )ના 101મો જન્મોત્સવ છે. ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 38 વર્ષથી દર વર્ષે પોષ સુદ બીજ ના દિવસે ‘આઈ શ્રી સોનલ માઁ’ના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 1 જાન્યુઆરી 2025, બુધવારના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સુગર ફેક્ટરી પાસે નેશનલ હાઈવે વલસાડ ખાતે આ ઉજવણી કરવામાં આવશે.
આ ભવ્ય જન્મોત્સવમાં સવારે 9:30 કલાકે માતાજીની શોભાયાત્રા, 10 કલાકે આરતી-મહાપૂજા, 10:30 કલાકે સમાજના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તથા બપોરે 1:00 વાગ્યે મહાપ્રસાદ, 2:00 વાગ્યે રાસ ગરબા અને સાંજે 6 કલાકે મહાઆરતી, મહાપૂજા તથા રાત્રે 9:30 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ વલસાડ, નવસારી ડાંગ જિલ્લા ઉપરાંત દમણ, સેલવાસ, દાદરા નગર હવેલી વિસ્તારોમાં રહેતા ચારણ-ગઢવી સમાજના સભ્યો ઉપરાંત અન્ય તમામ જ્ઞાતિના આઈ શ્રી સોનલ માઁ ના ભક્તો, ઉપાસકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં આમંત્રિત સંતો, દરેક સમાજના અગ્રણીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, અધિકારીઓ તથા પદાધિકારીઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. રક્તદાન કેન્દ્ર વલસાડના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હોય જેમાં રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રોત્સાહિત ભેટ આપી સન્માન કરવામાં આવશે.
સોનલ બીજ ના આ ભવ્ય કાર્યક્રમમાં દિવસ દરમિયાન રાસ ગરબાના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો સાજણ ગઢવી, ઉમેશ ગઢવી તથા સીતાબેન રબારી રાસ ગરબાની રમઝટ બોલાવશે. તથા રાત્રિના 9:30 કલાકે આયોજિત સંતવાણીના કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારો પિયુષ મિસ્ત્રી, ગોવિંદ ગઢવી, કરણદાન ગઢવી તથા સીતાબેન રબારી ભજન-લોકગીતની સુરમયી રજૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે, ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 101મા સોનલ બીજ મહોત્સવમાં સર્વ જ્ઞાતિ સમાજના શ્રદ્ધાળુ ભક્તોને લાભ લેવા ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ રત્નુ્એ અખબાર યાદી દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.