વલસાડ જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ચારણ-ગઢવી સમાજને ગોપાલક બોર્ડમા સમાવેશ કરવામા આવે તે બાબતે વલસાડ જિલ્લાના વલસાડ, કપરાડા, પારડી વિધાનસભાક્ષેત્રના ધારાસભ્યો-મંત્રીઓને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
ટ્રસ્ટના આગેવાનો દ્વારા વલસાડ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ભરત પટેલ, કપરાડા વિધાનસભાના ધારાસભ્ય અને હાલમાં ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી, પારડી વિધાનસભાના ધારાસભ્ય અને હાલમાં ગુજરાત રાજ્યના નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનું દેસાઈ સહિત વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને અવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી કે, ચારણ-ગઢવી સમાજ જન્મજાતથી માલધારી છે. જેઓનો મુખ્ય વ્યવસાય પશુ-પાલન છે. હાલમાં પણ 90 ટકા લોકો આ વ્યવસાય ઉપર નિર્ભર છે.
ચારણ-ગઢવી સમાજ આર્થિક દૃષ્ટિએ પછાત છે. વલસાડ-નવસારી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં ઝુંપડા બનાવી (નેહડામાં) પશુ-પાલન કરી ગુજરાન ચલાવે છે. ત્યારે, ગુજરાત સરકારે ભરવાડ તેમજ રબારી સમાજના પ્રતિનિધિઓનો ગોપાલક બોર્ડમાં સમાવેશ કર્યો છે. આ બંને સમાજ સાથે ચારણ-ગઢવી સમાજ પણ જન્મ જાતથી પશુ-પાલક તરીકે ઓળખાય છે. તેમ છતાં કોઈ કારણસર સમાજ સામાજીક રીતે જાગૃત ન હોવાથી જે તે સમયે રજુઆત કરી શક્યા નથી, જેનાં કારણે આ બોર્ડમાં સમાવેશ કરવાનું રહી ગયેલ છે. જેથી કરીને આ બોર્ડનાં જે લાભો સમાજને મળવા જોઈએ તેનાથી વંચિત રહ્યા છે.
આ બોર્ડમાં સમાવેશ થાય તો તેનો લાભ મળતો થાય અને વર્તમાન સમયમાં પ્રગતિ કરી શકે. આ બોર્ડમાં પશુ-પાલકો માટે અનેક લાભો છે. જે અંગે વલસાડ-નવસારી જિલ્લાના તમામ ચારણ-ગઢવી સમાજની માંગણીને સરકાર સુધી પહોંચાડવામાં અને સમાજની લાગણીને વાચા આપી બોર્ડમાં સમાવેશ કરવાની રજુઆત કરવામાં આવી હતી.
સમાજના આગેવાનોએ વધુમાં રજુઆત કરી હતી કે તેમની માંગને જિલ્લાના ધારાસભ્યો, મંત્રીઓ મુખ્યમંત્રીને તેમજ સરકાર સુધી યોગ્ય રીતે પહોંચાડી શકે છે. તેમના માધ્યમથી જો સમાજનો ગોપાલક બોર્ડમાં સમાવેશ થાય તો વલસાડ, વાપી, સંઘ પ્રદેશમાં, નવસારી જિલ્લામાં વસવાટ કરતા ચારણ ગઢવી સમાજ વર્તમાન સમયમાં અન્ય સમાજની જેમ સારી જીવન શૈલીમાં જોડાઈને પોતાનુ ગુજરાન સહેલાઈથી ચલાવી શકે છે.
આ આવેદનપત્ર સુપ્રત કરતી વખતે ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ-નવસારી જિલ્લો તથા સંઘ પ્રદેશના પ્રમુખ રાણાભાઈ ગઢવી, ઉપપ્રમુખ માલદાન કાગ, મંત્રી ગોવિંદ ગઢવી, શકિતદાન ગઢવી, હિમતદાન ચારણ ઉપરાંત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને રાજ્યમંત્રીએ તેમજ ધારાસભ્યએ સરકાર સમક્ષ બનતી રજુઆત કરી સમાજને મદદરૂપ થવાનો કોલ આપ્યો હતો.