Friday, October 18News That Matters

વલસાડ જિલ્લાની પાલિકા, વાપી GIDCમાં રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી, સાયકલ રેલી નીકળી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો અને માર્ગોની સફાઇ ઝુંબેશ તેમજ વલસાડ અને વાપી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડમાં જુન ૨૦૨૩ થી શરૂ થયેલા અને આજ સુધી ચાલી રહેલા “સાયકલ ટુ વોક એન્ડ વર્ક” અભિયાનમાં સરકારના દરેક વિભાગના કર્મચારીઓ મહિનાના પહેલા શનિવારે ઓફિસે સાયકલ પર અથવા ચાલતા આવે છે. એના ભાગ રૂપે આ ઇવેન્ટ પ્રદુષણ નિયંત્રણ દિવસે યોજવામાં આવી હતી.

વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી સવારે ૭.૦૦ કલાકે ધારાસભ્ય ભરતભાઇ પટેલ તથા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેએ સાયકલ રેલીને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. તીથલ બીચ ખાતે સફાઇ કરવામાં આવી હતી. વોકિંગ માટે આવેલા નાગરિકોને ગુલાબના ફુલથી સન્માન કરવામાં આવ્યા તેમજ કાપડની થેલીનું વિતરણ કરી વૃક્ષારોપણ કરાયું હતું. વાપી વીઆઇએ ખાતે સવારે ૮.૨૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ૮.૩૦ કલાકે સાયકલ રેલીને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. CETP માં વૃક્ષારોપણ કર્યું હતું.

જેમાં પ્રાંત અધિકારી પારડી, રીજિયોનલ ઓફિસર GPCB વાપી, વીઆઈએના પ્રમુખ સતિષભાઇ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને વાપીના મામલતદાર ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યાર બાદ વૃક્ષારોપણ કરી નગરપાલિકા વિસ્તારમાં સફાઇ કામગીરી કરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકામાં શાળા, કોલેજ અને સામાજીક સંસ્થાના સહયોગથી ત્રણ દરવાજાથી એસ.ટી.ડેપો રોડ, કુમારશાળા, લક્ષ્મી નારાયણ મંદિર થઇ ગાંધીબાગ સુધી સ્વચ્છતા હી સેવા તેમજ પ્લાસ્ટીક મુકતના બેનરો સાથે ક્લીન અને ગ્રીન ધરમપુરના મંત્ર સાથે રેલી કાઢવામાં આવી હતી અને “ પ્રદુષણ નિયંત્રણ માટે હું શું કરી શકું?” વિષય પર નગરપાલિકાની શાળાઓમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પારડી નગરપાલિકામાં દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ ઉદ્યાનની બાજુમાં આવેલા સાયકલ ટ્રેક ઉપર કુમારશાળા, કન્યાશાળા, સરકારી વિજ્ઞાન કોલેજ એનએસએસના વિદ્યાર્થીઓ સાથે સાયકલ રેલી તથા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના રસ્તાઓની સફાઇ હાથ ધરવામાં આવી તેમજ નડતર રૂપ ગાંડા બાવળ કાપવાની કામગીરી કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકામાં સાયકલ રેલી, દરિયા કિનારાની સફાઇ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *