Sunday, December 22News That Matters

વાપી-દમણ-સેલવાસમાં છઠ વ્રતધારીઓએ ઉજવ્યું છઠપર્વ, નદી કિનારે ગુંજયો છઠીમૈયાનો જયજયકાર

વાપી : – વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠપૂજાની ઉજવણી કરવામાં આવી હતી. સેલવાસ-વાપીમાંથી પસાર થઈ દમણના દરિયામાં સમાતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું હતું. રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી હતી. નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કર્યો હતો. 
છઠ પૂજા માટે ઉપસ્થિત રહેનારા વ્રતધારીઓએ જણાવ્યું હતું કે, છઠ પુજાનું ઉત્તર ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે. આ વ્રત દરમ્યાન વ્રતધારીઓ આખો દિવસનો ઉપવાસ કરી સાંજે અને સવારે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી પૂજા કરે છે.  નદી કિનારે ટ્રસ્ટ દ્વારા તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા કોઇ અગવડ ન પડે તે માટે ખાસ તૈયારીઓ કરી છે. તમામે નદીકાંઠે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી સૂર્યદેવને ઢળતી સાંજનું પહેલું અર્ધ્ય આપી છઠ પૂજા વિધિ કરી હતી.
કહેવાય છે કે, સૂર્યનો જન્મ થયા બાદ દેવતાઓએ છઠ્ઠા દિવસે તેમની ઉપાસના કરી હતી. ત્યારબાદ સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું. ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો હોવાની લોકકથા પ્રવર્તે છે. આ પર્વ અંતર્ગત મહિલાઓ ત્રણ દિવસ કઠોર અનશન રાખે છે. રાત્રે ગોળની ખીરનો પ્રસાદ આરોગે છે. અને મહિલાઓ સવારે સાંજે સૂર્યને અર્ધ્ય આપે છે.
માથે શણગારેલી ટોપલીમાં કેળા, પપૈયા સહિતના ફળો કંકુ – ચોખા, શેરડી વગેરે નદીકાંઠે લઈને આવે છે. નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા સુર્યને અર્ધ્ય અર્પણ કરી ઘર – પરિવાર સંતાનોના આરોગ્ય માટે, સમાજ અને દેશમાં સુખશાંતિ જળવાઈ રહે તે માટે સૂર્ય દેવ સમક્ષ પ્રાર્થના કરે છે. કેટલાક વ્રતધારીઓ જમીન પર અળોટતા તથા નત મસ્તક નમન કરતાં આકરા તપ સાથે નદી કાંઠે આવી વ્રતની પૂજા કરતા જોવા મળ્યા હતા. તો કેટલાક નિસંતાન દંપતિ હોય સંતાન પ્રાપ્તિ માટે છઠ પર્વની ઉપાસના કરી હતી.
લોકવાયકા મુજબ માતા કુંતીએ આ વ્રત કરી પુત્ર રૂપે કર્ણ ની પ્રાપ્તિ કરી હતી. ત્યારથી આ વ્રત દરેક ઉત્તરભારતીય સમાજના લોકો ઉજવે છે. તેમના મતે આ કઠોર વ્રત છે અને સૌથી મોટું મહત્વનું પર્વ છે. હાલમાં દેશના તમામ રાજ્યમાં અને વિદેશમાં સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય લોકો આ વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરે છે.
ઉલ્લેખનીય છે કે, વાપી દમણ સેલવાસમાં ઔદ્યોગીકરણ થતાં અનેક ઉત્તર ભારતવાસીઓ અહીં આવીને વસ્યા છે. જોકે તેઓ તેમના સંસ્કારો અને રીતરિવાજો ભૂલ્યા નથી. કહેવાય છે કે રામ અને સીતા, કુંતી અને દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું વાપી સહિત સેલવાસ, દમણની આસપાસના વિવિધ વિસ્તારોમાં નદી, તળાવમાં અને દરિયાકિનારે મોટી સંખ્યામાં આવેલા લોકોએ રવિવારે સાંજે છઠ્ઠી મૈયાની જય બોલાવી સૂર્યદેવને જળ સાથેનું અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠપૂજા કરી હતી.

7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *