સંઘપ્રદેશ દમણમાં આવેલ દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પાસે મંગળવારે સવારે દિપડો દેખાયો હતો. જેની પ્રશાસનને જાણ કરવામાં આવતા પ્રશાસને વન વિભાગ અને કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને ચાંપતી નજર રાખવાની સૂચના આપ્યા બાદ આ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અવરજવર કરતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરતી અખબારીયાદી બહાર પાડવામાં આવી છે. તો, દીપડાના CCTV ફૂટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.
દમણમાં દુણેઠા-દલવાડા માર્ગ પર કોસ્ટ ગાર્ડ નું એરસ્ટેશન આવેલ છે. આ એર સ્ટેશન ની ફરતે લોખંડની કાંટાળી ઝાળીમાંથી પ્રવેશ કરતો એક દીપડો કોસ્ટગાર્ડ કર્મચારીઓએ જોયો હતો. જે અંગે તાત્કાલિક અન્ય કર્મચારીઓને સાવચેત કરી વનવિભાગ અને કલેકટર કચેરીમાં જાણકારી આપી હતી. જે જાણકારી આધારે પ્રશાસને વનવિભાગ અને કોસ્ટગાર્ડને દીપડાની ગતિવિધિ પર નજર રાખવાની સૂચના આપી છે. તેમજ આ વિસ્તારમાં રહેતા અને અવરજવર કરતા નાગરિકોને, પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ રાત્રે એકલા બહાર ફરવા ન નિકળે તેમજ નાના બાળકો અને ઘરેલું પ્રાણીઓને સુરક્ષિણ રાખે.
પ્રશાસને બહાર પાડેલી અખબારી યાદીમાં આ વિસ્તારમાં વન વિભાગને, કોસ્ટગાર્ડ એર સ્ટેશનને ચાંપતી નજર રાખવા જણાવ્યું છે. રહેવાસીઓને રાત્રે બહાર અથવા ખુલ્લા ટેરેસ પર સુવાનું ટાળવા, પ્રવાસીઓ તેમજ પગપાળા જનારા વ્યક્તિઓને જયાં સુધી આ દિપડાને રેસ્ક્યુ કરી લેવામાં ન આવે અને આગળની સુચના ન મળે ત્યાં સુધી અકાંત સ્થળોથી દુર રહેવા સૂચના આપવામાં આવી છે.
જો કે દીપડાની ગતિવિધિ પરના CCTV ફૂટેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં દીપડો કોસ્ટગાર્ડ સ્ટેશનની ફરતે લગાવેલ લોખંડની ગ્રીલમાંથી સ્ટેશન વિસ્તારમાં પ્રવેશતો જોવા મળે છે. હાલ વનવિભાગ અને કોસ્ટગાર્ડ તેના પર ચાંપતી નજર રાખી રેસ્ક્યુ કરવાની કાર્યવાહી કરી રહ્યું છે.