વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બ્લુમુન મોબાઈલ ગેલેરી નામની શોપ, તાજ મોબાઈલ, સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં તેમજ આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ યા દાદા કોમ્પલેક્ષની મોબાઇલ શોપમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીતા 2023ની કલમ 331(4), 305(એ), 62, 54 મુજબના ગુનાના કામે સર્વેલન્સના PSI ડી. એસ. પટેલ, એ. બી. ગોહીલ તથા સર્વેલન્સની ટીમેં અલગ-અલગ સીસીટીવી કેમેરા નો અભ્યાસ કરી, આ ગુનાના આરોપીઓ (1) છોટુ સિંહ ભટ સિંહ (2) રિડમલ સિંહ રમેશ સિંહને રાજસ્થાનના શિવાના, બાડમેર વિસ્તારમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી છોટુસિંહ ભટસિંહ ઉ.વ.22 ધંધો-ડ્રાઇવીંગ રહે.ગોગાજી કા ધોરા, ભાટા ગામ, જિ.બાડમેર રાજસ્થાન તથા (2) રિડમલ સિંહ રમેશ સિંહ ઉ.વ.19 ધંધો-મજુરી રહે. ગોગાજી કા ધોરા, ભાટા ગામ, જિ.બાડમેર રાજસ્થાનના મૂળ વતની છે. જેઓ રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, દિવસ દરમ્યાન ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ થઈ રાત્રી દરમ્યાન મોબાઈલની દુકાનોમાં ચોરી કરતા હતાં. વલસાડ શહેરમાં તેઓએ બ્લુમુન મોબાઈલ ગેલેરી નામની શોપ તેમજ તાજ મોબાઈલ, સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. એ ઉપરાંત આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ યા દાદા કોમ્પલેક્ષમા મોબાઇલ શોપમાં ચોરી કરવાની કોશીશ કરેલની કબુલાત કરેલ છે.
સીટી પોલીસ દ્વારા બન્ને રીઢા ચોરને દબોચી લેવાની સદર કામગીરી પોલિસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સુરત, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની રાહબરી હેઠળ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડયાના માર્ગદર્શન હેઠળ તેમજ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના PI ડી. ડી. પરમારની સુચનાથી વલસાડ સીટી પો.સ્ટે.ના PSI ડી. એસ. પટેલ તથા એ.બી.ગોહીલ, ASI તથા સુનિલ ઠાકોરભાઇ, ઇશ્વરભાઇ, અ.હે.કો સહદેવસિહ, પો.કો. ચેતનભાઇ, ભાવેશ, નરેન્દ્રસિંહ, પ્રવિણ, અ.પો.કો હરદેવસિંહ પો.કો મંગુભાઇએ કરી હતી.