ઉત્તરપ્રદેશમાં NDA ની એલાયન્સ પાર્ટી એવી નિશાદ (Nirbal Indian Shoshit Hamara Aam Dal) (NISHAD) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય કુમાર નિશાદ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં રવિવારે વાપી ખાતે ઉત્તરપ્રદેશ ના હિન્દી ભાષી મતદારો સાથે મુલાકાત કરી ગુજરાતમાં ભાજપને મત આપી ફરી સત્તા પર લાવવા અપીલ કરી હતી. તેમજ ભાજપ અને નિશાદ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં કરેલા વિકાસની ગાથા રજૂ કરી હતી. કોંગ્રેસ-આમ આદમી પાર્ટીની સરકારને રાવણ રાજ્ય અને મોદી સરકારને રામરાજ્ય સાથે સરખાવી હતી. તો, વાપીના સંજય શુકલાને રાષ્ટ્રિય સચિવના પદ પર નિયુક્ત કરતી પણ જાહેરાત કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ને લઈ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી તેમના સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં મોકલી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, ઉત્તરપ્રદેશમાં NDA ની એલાયન્સ પાર્ટી એવી નિશાદ (Nirbal Indian Shoshit Hamara Aam Dal) (NISHAD) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય કુમાર નિશાદ પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં રવિવારે વાપીના અંબામાતા મંદિર પ્રાંગણમાં આવેલ સાંસ્કૃતિક હોલમાં ઉત્તરપ્રદેશ ના હિન્દી ભાષી મતદારો સાથે મુલાકાત કરી ગુજરાતમાં ભાજપને મત આપી ફરી સત્તા પર લાવવા અપીલ કરી હતી. ડૉ. સંજય કુમાર નિશાદે ભાજપ અને નિશાદ પાર્ટીએ મળીને ઉત્તરપ્રદેશમાં કરેલા વિકાસની ગાથા રજૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીત અપાવવા ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવે તે માટે UPથી તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા હોવાનું જણાવી નિશાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય કુમાર નિશાદે ભાજપ સત્તામાં આવી તે બાદ ગુજરાત, ઉત્તરપ્રદેશ અને દેશના થયેલા વિકાસની વાત કહી હતી. કેબિનેટ મિનિસ્ટર નિશાદે કોંગ્રેસની સરકારને રાવણ રાજ સાથે અને હાલની મોદી સરકારને રામ રાજ્ય સાથે સરખાવી કોંગ્રેસ, સપા, બસપા ના રાજમાં ઉત્તરપ્રદેશમાં જે ભય, ભ્રષ્ટાચાર હતો તેનાથી હિન્દી ભાષી મતદારોને વાકેફ કરી, આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપની સત્તામાં રામ મંદિર સહિત નિશાદ રાજ ની પ્રતિમાના નિર્માણનો ઉલ્લેખ કરી ઉત્તરપ્રદેશ ને ઉત્તમ પ્રદેશ બનાવનાર ભાજપ માટે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, સામાજિક વિકાસ, આર્થિક વિકાસમાં યોગદાન આપવા ભાજપને મત આપી જીત અપાવવા આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં નિશાદ પાર્ટી એ NDA ની ઘટકદલ પાર્ટી છે. ઉત્તરપ્રદેશમાં તેમના 11 MLA અને 1 MP છે. જેમાં ડૉ. સંજયકુમાર નિશાદ ઉત્તરપ્રદેશ માં કેબિનેટ મિનિસ્ટર છે. તેમની સત્તામાં તેઓએ માછીમારોના વિકાસ માટે, ખેડૂતો, શોષિત વર્ગના વિકાસ માટે અનેક યોજનાઓ કાર્યરત કરી આર્થિક મજબૂતી પ્રદાન કરી છે. તેવું નિશાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય કુમાર નિશાદે જણાવ્યું હતું. તેમજ વાપીના સંજય શુકલાને રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. જે બદલ સંજય શુક્લાએ પણ પાર્ટીનો આભાર માની પાર્ટી પ્રત્યે વફાદાર રહી કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી.