ચૂંટણી પંચે દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ખાલી પડેલી 3 લોકસભા બેઠક ઉપરાંત આંધ્રપ્રદેશની, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગાણાની એક એક વિધાનસભાની બેઠક, આસામની 5 બેઠક, બિહાર, કર્ણાટક, રાજસ્થાનની 2-2 બેઠક, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળની 3-3 વિધાનસભા બેઠક પરની ચૂંટણી પણ જાહેર કરી છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ આગામી 30મી ઓક્ટોબરે મતદાન અને 2જી નવેમ્બરે મતગણતરી યોજાશે.
ચુંટણી પંચે પેટા ચૂંટણી અંગે કરેલી જાહેરાત મુજબ 1લી ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે. 8 તારીખ નોમીનેશનનો અંતિમ દિવસ હશે. 11મી ઓક્ટોબર ફોર્મ ચકાસણી અને 16મી ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. જ્યારે 30 મી ઓક્ટોબરે પેટા ચૂંટણી માટે મતદાન થશે. તો, 2જી નવેમ્બરે મતગણતરી થશે. 5મી નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરશે.
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની દાદરા નગર હવેલી બેઠક, મધ્યપ્રદેશમાં 28-ખંડવા બેઠક અને હિમાચલ પ્રદેશની 2-મંડી આ ત્રણ સ્થળોએ લોકસભાની પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ દ્વારા દાદરા નગર હવેલીના પેટા ચૂંટણીની જાહેરાત કરતા પ્રદેશના રાજકીય પક્ષોમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે.
આપને જણાવી દઈએ કે દાદરા નગર હવેલીમાં ગત લોકસભા ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી કરી મોહન ડેલકર ભારે મતોથી વિજેતા બન્યા હતાં. જે બાદ આ સીટ સતત વિવાદોથી ઘેરાઈ રહી. સ્થાનિક પ્રશાસન ની કનડગતના ગંભીર આક્ષેપો મોહન ડેલકરે કર્યા હતાં. અને 22મી ફેબ્રુઆરી 2021ના મોહન ડેલકરે મુંબઈની એક હોટેલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોહન ડેલકરે આત્મહત્યા કરતા પહેલા 16 પાનાં ની સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં સ્થાનિક પ્રશાસનના પ્રશાસક, કલેકટર, પોલીસવડા સહિત રાજકીય આગેવાન પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. જે આધારે ડેલકરના પુત્ર અભિનવે મુંબઈ મરીનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હાલ હજુ પણ આ મામલે તપાસ ચાલી રહી છે. ડેલકરના પરિવારજનો અને તેના સમર્થકો ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે મોહન ડેલકરના મૃત્યુ બાદ ખાલી પડેલ લોકસભા સીટ માટે ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ ચૂંટણી દરેક પક્ષ માટે ખૂબ જ મહત્વની ચૂંટણી મનાઈ રહી છે.
જો કે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દાદરા નગર હવેલીમાં મોહન ડેલકરના મૃત્યુ બાદ તેમનો પુત્ર અભિનવ પણ આ ચૂંટણી લડશે. જો કે તે ક્યાં પક્ષમાંથી ચૂંટણી લડશે તે અંગે અનેક મતમતાંતર ચાલી રહ્યા છે. કદાચ શિવસેના અથવા આપ માંથી અભિનવ ચૂંટણી લડી શકે છે. તો તેની સામે ભાજપ પક્ષમાંથી પણ 4 જેટલા મુરતીયાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં ગત ટર્મમાં હારેલા સાંસદ ઉપરાંત 2 મહિલા અને અન્ય એક કાર્યકરનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસ દાદરા નગર હવેલીમાં પહેલેથી મૃતપાય: અવસ્થામાં છે. તેમ છતાં કોઈ એક આદિવાસી ચહેરો મેદાનમાં ઉતારે તેવી ચર્ચા ચાલી રહી છે.
આયોગે રોગચાળા, પૂર, તહેવારો, અમુક પ્રદેશોમાં ઠંડીની સ્થિતિ, સંબંધિત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રતિસાદ અને તમામ હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરી છે અને તે બાદ લોકસભા માટે ત્રણ જગ્યાઓ ભરવા પેટાચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે. એજ રીતે દેશના અલગ અલગ રાજ્યમાં ખાલી પડેલ વિધાનસભાની બેઠકો માટે પણ ચૂંટણી યોજવાનું નક્કી કરાયું છે.