વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન(VIA) દ્વારા પારડીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી તેમજ હાલની પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઈ દેસાઈએ વાપીના વિકાસમાં 1 વર્ષમાં 1100 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહરત કરી આપેલા સિંહફાળા નું ઋણ ચૂકવવા શુભેચ્છા સમારોહનુ આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ તેમણે કરેલા વિકાસના કામોની સરાહના કરી આ ચૂંટણીમાં 1 લાખથી વધુ મતની લીડથી જીત અપાવવાનો સંકલ્પ લીધો હતો.
વાપીના VIA ઓડિટોરિયમ ખાતે વાપીના ઉદ્યોગકારોએ કનું દેસાઈના સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે VIAના યોગેશ કાબરીયા, સતીશ પટેલે જણાવ્યું હતું કે, કનુભાઈ દેસાઈ નાણાપ્રધાન બન્યા બાદ તેમણે વાપી સહિત વલસાડ જિલ્લામાં એક વર્ષમાં અંદાજિત 1100 કરોડના વિકાસના કામો કરી વિકાસની નવી રાહ ચીંધી છે. વાપીમાં વરસાદી પાણીની સમસ્યાના હલ માટે 50 કરોડના ખર્ચે બીલખાડીની કામગીરી, ઔદ્યોગિક એકમોના પ્રદુષિત પાણીને ટ્રીટ કરવા CETPની કેપેસિટીને 55 MLD થી 70 MLD કરવાની તાંત્રિક મંજૂરી અપાવી ટ્રીટ કરેલા પાણીના ડિસ્ચાર્જ માટે 400 કરોડ ની જોગવાઈ કરી. અન્ડરગ્રાઉન્ડ કેબલિંગના 150 કરોડના કામ કરી લટકતા વાયરની સમસ્યા હલ કરી. 123 કરોડના ખર્ચે 66 KV ટ્રાન્સફોર્મરની સુવિધા ઉપલબ્ધ કરાવી બીજા 88 કરોડના કામોની મંજૂરી અપાવી, કોરોના કાળમાં કોલસાની તંગીને દૂર રાખી પાવર કાપથી ઉદ્યોગો ને બચાવી ઉત્પાદનની ગાડી ફરતી રાખી.
એ ઉપરાંત J ટાઈપ, વાપી ચાર રસ્તાથી કરવડ, સહિત અનેક વિસ્તારમાં કરોડોના ખર્ચે રસ્તાઓ, બ્રિજનું નવીનીકરણ કરવા ખાતમુહરત કર્યું, આરોગ્યની સુવિધા માટે બલિઠા માં 50 કરોડના ખર્ચે 100 બેડની હોસ્પિટલ, નોટિફાઇડ વિસ્તારમાં પાણી ની ટાંકીઓ બનાવી, ડ્રેનેજ લાઇનની કામગીરી આગળ ધપાવી, કોરોના કાળમાં બધું બંધ હતું એ વખતે તંત્ર સાથે સંકલન સાધી ઉદ્યોગોમાં સોશ્યલ સેફટી સાથે કારખાનાને ચાલુ કરાવ્યા. નોટિફાઇડની સબસિડીની સમસ્યાનો હલ લાવ્યા, પાણીના દરમાં રાહત અપાવી. આમ કુલ 1100 કરોડ ના વિકાસના કામો કરી વાપીમાં ઉદ્યોગોનો અને લોકોનો વિકાસ કરી બતાવ્યો જે બદલ તમામે તેમનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતાં.
કનુભાઈના આ શુભેચ્છા સમારોહમાં તમામ ઉદ્યોગકારોએ પારડી વિધાનસભાની આ ચુંટણીમાં મતદાનના દિવસે તમામ કામદારોને મતદાન કરવા પ્રેરિત કરી કનુભાઈ 1,11,101 મતની લીડથી વિજય અપાવવા સંકલ્પ લીધો હતો. તો, કનુભાઈ દેસાઈએ પણ તેમના પ્રત્યે ઉદ્યોગકારોએ બતાવેલ અભૂતપૂર્વ પ્રતિસાદને ઝીલી આભારની લાગણી પ્રગટ કરી હતી. તેમણે રાજકીય ક્ષેત્રે આગળ વધવામાં સિંહફાળો આપનાર UPL ના રજ્જુ શ્રોફ, સાન્દ્રા શ્રોફનો આભાર માની રાજકીય આગેવાન તરીકે જે પણ કામ કરવાના હશે તેમાં કટિબદ્ધતા દર્શાવી વિકાસના કામને વધુ વેગ આપવાનો કોલ આપ્યો હતો.
આ શુભેચ્છા સમારોહમાં VIA ના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો, સભ્યો તેમજ જાણીતા ઉદ્યોગોના ઉદ્યોગપતિ એવા એ. કે. શાહ, નાનુભાઈ, ગૌતમ શાહ, પ્રકાશ ભાનુશાલી, મગન સાવલિયા, સુનિલ અગ્રવાલ, હેમાંગ નાયક સહિત પેપરમિલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન સહિતના એસોસિએશન ના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કનુભાઈ દેસાઈનું ઉમળકાભેર સ્વાગત કરી આ ચૂંટણીમાં હેટ્રિક નોંધાવે તે માટે શુભેચ્છાઓ આપી હતી.