Friday, October 18News That Matters

રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરનાર કેનેરા બેંકનો લાંચિયો મેનેજર આવ્યો ACB ના સકંજામાં

Anti Corruption Bureau સુરત એકમના સુપર વિઝન અધિકારી મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના માર્ગદર્શનમાં ACB એ લાંચીયા બેન્ક મેનેજરની ધરપકડ કરી છે. વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના ટ્રેપીંગ અધિકારી PI કે.આર. સકસેના તથા વલસાડ ACB સ્ટાફે કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચીના બ્રાન્ચ મેનેજરને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો છે. ACB ના છટકામાં સપડાયેલા બેન્ક મેનેજરે DJ ની એક લાખની લોન પાસ થવા પેટે ફરિયાદી પાસેથી 20 હજારની લાંચની માંગણી કરી હતી. ACB એ બેંકના બ્રાન્ચ મેનેજરને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.

આ અંગે ACB એ વિગતો આપી છે કે, એક જાગૃત નાગરિકે DJનો વ્યવસાય કરી રોજગાર મેળવવા શ્રી બાજપાઇ બેંકેબલ યોજનામાંથી લોન મેળવવા અરજી કરી હતી. જે અરજી વલસાડ જિલ્લાની કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચીમાં ટ્રાન્સફર થઈ હતી. જેથી કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચીમાં બેન્ક મેનેજરની નોકરી કરતા અને વલસાડના તિથલ રોડ પર રહેતા મૂળ યુપી ના એવા 36 વર્ષીય જગદીશચન્દ્ર ક્રિષ્ણચન્દ્ર મિશ્રાએ ફરીયાદીના ઘરની વિઝીટ કરી હતી. જેણે ફરીયાદીને જણાવેલ કે, આ યોજનામાં તમને રૂપીયા એક લાખ જેટલી સબસીડી મળે છે. જેથી લોન પાસ કરાવી આપવાના 20 હજાર રૂપીયા વ્યવહાર પેટે આપવા પડશે.

જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું. લાંચિયા બેન્ક મેનેજરે લાંચની રકમ આપવા ફરિયાદીને ગુંદલાવથી ખેરગામ જતા મુખ્ય રસ્તા ઉપર, જમણી બાજુએ આવેલ વાડીલાલ આઇસ્ક્રીમની દુકાનની સામે બોલાવેલ. જ્યાં ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં મળી હેતુલક્ષી વાતચીત કરી હતી. ફરીયાદી પાસેની લાંચની રકમ સ્વીકારી હતી. જે રકમ સાથે લાવેલ થેલીમાં મુકાવડાવી લઈ જવાની પેરવીમાં હતો ત્યારે જ એ.સી.બી એ તેને ઝડપી પાડી ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *