Friday, October 18News That Matters

વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સામે ગુંડાગર્દી કરનારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના બન્ને પુત્રો જેલ હવાલે

વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલના પુત્રો પ્રવેશ પટેલ અને પ્રથમ પટેલે વલસાડમાં જિલ્લા કોંગ્રેસના કાર્યાલય પર ન્યૂઝ કવરેજ કરવા આવેલ પત્રકારો સાથે મારામારી કરતા પત્રકારોએ વલસાડ સીટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે દાદાગીરી કરનાર બન્ને નેતા પુત્રો સામે IPC કલમ 323, 504, 506(2), 114 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં વિવિધ રિઝનલ અને લોકલ ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકારો ગુરુવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ન્યૂઝ કવરેજ કરવા ગયા હતાં. જો કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લાના અમુક પત્રકારો સિવાયના પત્રકારોને કાર્યક્રમનું આમંત્રણ આપ્યું ના હોય એ તમામ પત્રકારો કોંગ્રેસના કાર્યક્રમનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતાં.

જે દરમ્યાન પત્રકારોને બહાર જતા જોઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ દિનેશ પટેલે તેમને રોકી બહાર જવાનું કારણ પૂછ્યું હતું. જેની સાથે પત્રકારો કાર્યક્રમનો બહિષ્કાર કરવા અંગેનું કારણ જણાવી ચર્ચા કરતા હતા. જે દરમ્યાન જિલ્લા પ્રમુખ દિનેશ પટેલના પુત્ર પ્રવેશ પટેલે ગાળાગાળી કરી પત્રકારોને ધક્કા મારી, એક પત્રકારને લાત મારી હતી. જ્યારે બીજા પુત્ર પ્રથમ પટેલે પણ અપશબ્દો બોલી બીજા અન્ય પત્રકાર પર થાપટ મારી હતી. કોંગ્રેસ પ્રમુખ, તેના પુત્રો અને અન્ય કોંગ્રેસી કાર્યકરોની પત્રકારો સાથેની આ માથાકૂટ અંગે વલસાડ સીટી પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને નેતાપુત્રો ને તાત્કાલિક પોલીસ મથકે લાવ્યા હતાં. જ્યાં પત્રકારોની ફરિયાદ નોંધી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર શૂરવીર બનેલા બને નેતા પુત્રોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પત્રકારો પર નેતા પુત્ર ની આ ગુંડાગર્દીને લઈ પોલીસે IPC કલમ 323, 504, 506(2), 114 મુજબ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ જિલ્લાના તમામ પત્રકારો પણ ભોગ બનેલા પત્રકારો ની વહારે પહોંચ્યા હતાં. તમામ પત્રકારોએ આ મામલાને વખોડી વલસાડ જિલ્લા પોલીસ વડા ને કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરતા જિલ્લા પોલીસ વડાએ પણ કરેલી ત્વરિત કાર્યવાહી કરતા તે બદલ આભાર પ્રગટ કર્યો હતો. બને નેતાપુત્રોએ પત્રકારો સાથે મારપીટ કરવા ઉપરાંત વાપીથી આગળ આવો તમને બતાવું તેવી ધમકી આપી હતી. જેથી આ નેતા પુત્રો પર અગાઉ કોઈ મામલે ભિલાડ, ઉમરગામ પોલીસ મથકમાં નોંધાયેલ કેસ બાબતે પણ બનતી તપાસ કરી નેતા પુત્રોની શાન ઠેકાણે લાવવા રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *