વાપીમાં ચોમાસા પહેલા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે બલિઠા બ્રિજ કાર્યરત કરવાનું બીડું ઝડપ્યું હતું. જો કે ચોમાસુ શરૂ થઈ ચૂક્યું છે અને બલિઠા બ્રિજ દિવાળી પહેલા પણ પૂર્ણ થશે કે કેમ તે સંદેહ છે. તો, વળી વાપી ટાઉનમાંથી પસાર થતા મુખ્ય ફોરલેન ROBના પીલ્લર સુધીનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાની ખાતરી પણ પૂર્ણ થઈ નથી. જે ટાઈપ બ્રિજની કામગીરીના પણ હાલ એ જ છે. ચાર રસ્તાથી ચણોદ તરફનો માર્ગ પણ હજુ અધુરો છે. ટૂંકમાં બૉસ… ના પગલે ચાલતા સાહેબે… વિકાસના કામોના ખાતમુહરત કરતી વખતે અને નિર્માણ કામગીરી શરૂ કરતી વખતે આપેલા વાયદા હાલ પૂરતા તો પોકળ સાબિત થયા છે.
ચોમાસાની શરૂઆત થતા જ વાપી ટાઉનમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. હાઇવે નંબર 48 પર પણ છરવાડા ક્રોસિંગ નું કામ ચોમાસા પહેલા પૂરું કરવાનું હતું તે પૂરું નહિ થતા હાઇવે પર ટ્રાફિક જામ ની સમસ્યા છે. બલિઠા ફાટક, ટાઉન ફાટક, રેલવે ગરનાળા માં કે વાપી ચાર રસ્તા આ તમામ મુખ્ય આવાગમનના માર્ગો પર હાલ ટ્રાફિક સમસ્યાને લઈ વાપીવાસીઓ પારાવાર પીડા ભોગવી રહ્યા છે.
જો ચોમાસાના શરૂઆતના એક સપ્તાહમાં આ હાલત થઈ છે તો હજુ તો અધિક માસ સહિત કુલ 4 મહિના કાઢવાના છે. લાગે છે કે, વાપીવાસીઓએ છેલ્લા 9 વર્ષથી ભોગવેલી પીડાનો અંત આ વર્ષે પણ યથાવત રહેશે. હવે તો 2024 માં જ આ સમસ્યામાંથી છુટકારો થશે એ પણ થશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. કેમ કે વિકાસના નામે શરૂ કરેલા રોડ, બ્રિજ, ROB ના મોટાભાગના કામ તકલાદી સાબિત થયા છે. જેની સામે કોઈ કાર્યવાહી થતી જોવા મળી નથી એટલે જેમ સંજાણ ના ROB પર ગાબડું પડ્યું એવા ગાબડા જાનમાલનું નુકસાન કરાવશે તો પીડા જીવનભરની યથાવત રહેશે.