Thursday, December 26News That Matters

દમણ કલેક્ટરને બોમ્બે HC નો હુકમ દેવકા બીચ પરના Seafront રસ્તો બનાવવાની મંજૂરી બતાવો

મુંબઈ :- દમણ કલેકટર અને પ્રશાસનને દેવકા બીચ પર દરિયાકાંઠે રસ્તો બનાવવા માટે અને તેના બ્યુટીફીકેશન માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) સહિતની તમામ જરૂરી મંજૂરીઓ બતાવો તેવો હુકમ બોમ્બે હાઇકોર્ટે કર્યો છે.
દમણના દેવકા બીચ ખાતે ચાલી રહેલા કરોડો રૂપિયાના Beautification અને Seafront પ્રોજેકટ મામલે 2019માં જીતેન્દ્ર મારુ નામના RTI એક્ટીવીસ્ટ દ્વારા મુંબઈ હાઇકોર્ટમાં PIL (Public Interest Litigation) દાખલ કરવામાં આવી હતી કે અહીં પ્રશાસન દ્વારા CRZ (Coastal Regulation Zone) ની પર્યાવરણીય પૂર્વ મંજૂરી વિના જ નિર્માણકાર્ય હાથ ધરાયુ છે. જે અંતર્ગત મુંબઈ હાઇકોર્ટમાં 9મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 
શુક્રવારે 9મી જુલાઈએ બોમ્બે હાઇકોર્ટેમાં મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે PIL કાર્યકર જીતેન્દ્ર મારૂ દ્વારા 6.38 કિલોમીટર સુધીના બાંધકામને અટકાવવા માટે કરેલી PILની સુનાવણી યોજી હતી.
PIL માં જીતેન્દ્ર મારુ દ્વારા કહેવામાં આવ્યું છે કે દમણ અને દીવ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરીને આધારે વ્યાપક અથવા ઝડપી પર્યાવરણ પ્રભાવ અંતર્ગત લેવામાં આવતી મંજૂરી વિના જ કન્સ્ટ્રકશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત પિટિશનમાં આ માર્ગ ખરેખર હાઇ ટાઇડ લાઇન અને લો ટાઇડ લાઇન વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે.
સુનાવણીમાં દમણ અને દીવ પ્રશાસનના એડવોકેટ હિતેન વેનેગાવકરે જણાવ્યું હતું કે, માર્ગ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને કરોડો રૂપિયા પહેલાથી જ જાહેર ભંડોળમાંથી ખર્ચવામાં આવ્યા છે, જેની સામે જીતેન્દ્ર મારુના વકીલ ગાયત્રીસિંહે દલીલ કરી હતી કે, તેઓએ બાંધકામ ચાલુ રાખ્યું હતું અને હવે કહે છે કે તે પૂર્ણ થઈ ગયું છે અને કાંઈ પણ બન્યું નથી. 
જે દલીલો સાંભળી ન્યાયાધીશ જસ્ટિસ કુલકર્ણીએ જણાવ્યું હતું કે જો આ ગેરકાયદેસર છે, તો અમે રસ્તો હટાવવા માટે કહીશું, સાથે જ યાદ અપાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે CRZના ઉલ્લંઘન માટે કોચી દરિયાકાંઠે આવેલી ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.
વેનેગાવકરે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે જીતેન્દ્ર મારુ સ્થાનિક રહેવાસી નથી. જ્યારે પ્રોજેકટ સ્થળ પર અસરગ્રસ્તોએ વળતર લીધા બાદ ખુશીથી પોતાની જમીન છોડી દીધી હતી.
ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે અરજદારે આરોપ લગાવ્યો છે કે રસ્તાનું નિર્માણ CRZ ની મંજૂરી વગર છે. જે ફરજિયાત પૂર્વ આવશ્યક છે. અને તમારે બતાવવું પડશે કે તમને મંજૂરી મળી ગઈ છે. માટે જરૂરી મંજૂરીઓ રેકોર્ડ પર મૂકવામાં આવે. 
ઉલ્લેખનીય છે કે દમણ દેવકા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સિ-ફ્રન્ટ રોડ નિર્માણની કામગીરી પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે દરિયા કિનારે આવેલી અનેક હોટેલો, રહેણાંક વિસ્તાર પર પ્રશાસને બુલડોઝર ફેરવી જરૂરી જમીન એકવાયર કરી છે. માર્ગનું 50 ટકા થી વધુ કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ત્યારે CRZ ની મંજૂરીને લઈને થયેલી PIL અને તે બાદ મુંબઈ હાઇકોર્ટે આપેલ આદેશથી પ્રશાસનનો આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ફરી ઘોંચમાં પડશે કે કેમ તેના પર સૌકોઈ મીટ માંડીને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *