વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર એક BMW કારમાં અચાનક આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ સહિત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. કાર ચાલક ગોયમાંના યુવકે જણાવ્યું હતું કે 2 વર્ષમાં તેમની આ ત્રીજી BMW કાર છે જે અચાનક આગમાં સ્વાહા થઈ છે. સુરક્ષા માટે લોકો લાખોની કાર લે છે પરંતુ જે રીતે ત્રણેય કારમાં આગની ઘટના બની છે તે જોતા આ કાર કેટલી સુરક્ષિત કહેવાય તે અંગે કંપનીમાં કંમ્પ્લેઇન કરીશ.
વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર DD03-H-0077 નંબર ની દમણ પાર્સિંગની એક BMW કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર જવાનોને કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગની જ્વાળાઓમાં આગ સંપૂર્ણ ખાખ થઈ હતી.
ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ પારડી તાલુકાના ગોયમાં ગામના વતની એવા પ્રેગ્નેશ અમરત પટેલ તેમની DD03-H-0077 નંબર ની BMW કાર લઈ તેના ગામથી ઉદવાડા થઈ વાપી આવવા નીકળ્યો હતો. ત્યારે વાપી નજીક બલિઠા પાસે હાઇવે નંબર 48 પર તેમની BMW કાર માં આગળના ભાગે અચાનક આગ લાગી હતી. જે અંગે તેમને તેમના એક સબંધીએ ફોન કરીને જણાવ્યું હતું. જેથી પ્રેગ્નેશે તાત્કાલિક કાર ને સાઈડમાં પાર્ક કરી નીચે ઉતરી જોયું તો કારમાં આગ ભભૂકતી જોવા મળી હતી.
કાર માં અચાનક આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં. જેઓએ આગ ને બુઝાવવાની કોશિશ સાથે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં આ લકઝરીયસ કાર આગની જ્વાળાઓમાં ખાખ થઈ ભંગારમાં ફેરવાઇ ગઈ હતી. આગની ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થવા સાથે લોકોમાં પણ ગભરાટ નો માહોલ ફેલાયો હતો.
તો, આ લકઝરીયસ કાર અંગે કાર ચાલક પ્રેગ્નેશ પટેલે આક્રોશ ઠાલવ્યો હતો. છેલ્લા 2 વર્ષમાં આ તેની ત્રીજી BMW કાર છે. જેમાં અચાનક ટેક્નિકલ ખામીને કારણે આગ લાગી હોય, લોકો પોતાની સુરક્ષા માટે આવી લાખો રૂપિયાની લકઝરીયસ કાર ખરીદે છે. પરંતુ જે રીતે તેમની ત્રણેય કારમાં આગ લાગી અને તે આગમાં કાર સ્વાહા થઈ છે. તે જોતા આ કાર કેટલી સુરક્ષિત કહેવાય તે અંગે BMW કંપનીમાં કંમ્પ્લેઇન કરશે. તેમના મતે BMW ના આ મોડેલમાં જ કંઈ ખામી છે. જેને કારણે તેની ત્રણેય કાર સળગી ગઈ છે.