વર્ષ 2024માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગુજરાતના મતદારોએ ભાજપને જંગી લીડ આપી ફરી સત્તારૂઢ કર્યા છે. ત્યારે, મતદારોનો આ મિજાજ બરકરાર રહે તેવા પ્રયાસો સાથે ભાજપે અત્યારથી જ લોકસભા ચૂંટણીને લઈ ઉદ્યોગકારો પાસેથી મળતું પાર્ટી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે.
ખાનગી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલમાં જ ભાજપ હાઇકમાન્ડ તરફથી સૂચનાઓ મળ્યા બાદ વાપી GIDC સહિત સરીગામ GIDC, ગુંદલાવ GIDC, ઉમરગામ GIDC માં કાર્યરત ઉદ્યોગોના સંચાલકો સાથે પાર્ટીએ પત્રવ્યવહાર કરી આગામી લોકસભા 2024ની ચૂંટણી માટે ફંડ આપવા અપીલ કરી છે.
પાર્ટી ફંડ માટે ઉદ્યોગકારોને માનવવાનું શરૂ કર્યું……
સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ ભાજપે આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે પણ ડૉ. કે. સી. પટેલ પર કળશ ઢોળ્યો છે. વર્ષ 2019 કરતા પણ વધુ મતથી ડૉ. કે. સી. પટેલ વિજેતા બનશે તેવા વિશ્વાસ સાથે એટલે અત્યારથી જ પાર્ટી ફંડ માટે ઉદ્યોગકારોને માનવવાનું શરૂ કર્યું છે.
વર્ષ 2019માં 75.98 ટકા મતદાન નોંધાયું હતું…….
લોકસભા ચૂંટણીની 26-વલસાડ (અ.જ.જા.) બેઠક અંગે જોઈએ તો, વલસાડ અને ડાંગ જિલ્લાના મળીને અંદાજિત 19 લાખ આસપાસ મતદારો છે. વર્ષ 1951 થી વર્ષ 2019 સુધીમાં થયેલ ચૂંટણીમાં પાછલી 2 ચૂંટણી એવી વર્ષ 2014માં અને વર્ષ 2019માં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. 2014ની લોકસભા ચૂટણીમાં મતદાન જાગૃતિ અભિયાનના કારણે 74.28 ટકા જેટલું વિક્રમી મતદાન થયું હતું. જયારે વર્ષ 2019માં 75.98 ટકા મતદાન નોંધાયું હતું.
2014માં વલસાડ-ડાંગની બેઠક ઉપર 2,08,004 મતની લીડ મેળવી હતી…….
2014 ની લોકસભા ચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણીની રસાકસી જામી હતી. અને 2019ની લોકસભા સામાન્ય ચૂંટણીમાં 9 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતાં. મતદારોને કોઇ પણ ઉમેદવાર પસંદ ન હોય તો ‘નોટા’નો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. 26-વલસાડ(એસટી) બેઠકની લોકસભા ચૂંટણીમાં 2014માં વલસાડની બેઠક ઉપર 2,08,004 મતની લીડથી ભાજપના ડૉ.કે.સી.પટેલને કુલ 6,17,772 મત મળ્યા હતાં. જ્યારે હરીફ કોંગ્રેસના ઉમેદવાર કિશન પટેલને 4,09,768 મત મળ્યા હતાં. 2014ની ચૂંટણીમાં 26,606 જેટલા મતો નોટાને મળ્યા હતા.
2019માં 3,53,797 મતની લીડથી વિજેતા બન્યા હતાં…..
2019ની ચૂંટણી માં ભાજપના ડૉ. કે. સી. પટેલને 7,71,980 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીને 4,18,183 મત મળ્યા હતાં. ડો. કે. સી. પટેલ 3,53,797 મતની માતબર લીડથી વિજેતા બન્યા હતાં. પાછલી બન્ને ચુંટણીમાં ડો. કે. સી. પટેલ સામે ભારે વિરોધ હતો. તેમની હની ટ્રેપ માં સંડોવણી થી માંડીને અન્ય અનેક મુદ્દાઓને લઈ મતદારો જ નહિ ખુદ ભાજપના કાર્યકરોમાં પણ નારાજગી હતી. તેમ છતાં નરેન્દ્ર મોદીની ઇમેજને કારણે ડૉ. K C પટેલ જંગી મતથી વિજયી બની સાંસદ બન્યા હતાં. કારકિર્દીની ડૂબતી નૈયા પાર ઉતરી હતી.
વિકાસના કામો કરતા વિવાદમાં વધુ ચગ્યા……..
હવે ફરી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જેમાં હાલ ભાજપે ફરી આ સીટ બરકરાર રાખવા પાર્ટી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. જેમાં આગામી લોકસભા ના ઉમેદવાર તરીકે ડૉ. કે. સી. પટેલ પર મહોર મારવાની હોવાનો અણસાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર 10 વર્ષના શાસન માં ડો. કે. સી. પટેલનું નામ વિકાસના કામ કરતા વિવાદના કામમાં વધુ ઉછળ્યું છે. સરકારી કાર્યક્રમો સિવાય ક્યારેય મતદારો સમક્ષ પ્રગટ નથી થતા તેવી રાવ મતદારોની સતત રહી છે. ત્યારે 2024ની લોકસભા ચૂંટણીના ફંડ માટે કે. સી. પટેલનું નામ અંતિમ ક્ષણ સુધી રહેશે કે પાર્ટીફંડની ઉઘરાણી પૂરતું તે કળવું હાલ પૂરતું અશક્ય છે.