કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. પૂર્વ અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી આ લોકસભા સીટ માટે આગામી 30મી ઓક્ટોબરે મતદાન થવાનું છે. જે માટે 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી ફોર્મ ફરવાની નિયત તારીખ છે. જો કે ભાજપે લોકસભાની ચૂંટણી માટે કોને ટીકીટ આપવી તે અવઢવ ચાલ્યા બાદ આખરે ઉમેદવારની પસંદગી કરી લીધી છે. તો, ભાજપ, NCP શિવસેના જેવા પક્ષોના મોવડીઓ સાથે તાબડતોબ બેઠકો કરવા સાથે દાદરા નગર હવેલીમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારો સાથે બેઠકનો દૌર શરૂ કરનાર અભિનવ ડેલકરે પણ આખરે પોતાનો નિર્ણય નક્કી કરી લીધો છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ પેટા ચૂંટણીમાં મતદારો ભાજપથી નારાજ હોવાનું અને તેનો ફાયદો ડેલકર પરિવારને થઈ શકે છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. આ અવઢવ વચ્ચે ભાજપમાંથી નટુ પટેલ, મહેશ ગાંવિત સહિત 4 જેટલા કાર્યકરોએ ટિકિટની માંગણી કરી હતી. જે બાદ અચાનક જ અભિનવ ડેલકરે પણ ભાજપના મોવડીઓનો સંપર્ક કર્યો હોવાની અને ભાજપ તરફથી અભિનવ આ ચૂંટણી લડી રહ્યો હોવાની ચર્ચા ઉઠી હતી.
જો કે ઉમેદવારના નામાંકન આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ફરી સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ ભાજપે પૂર્વ માજી સાંસદ નટુ પટેલ પર કળશ ઢોળ્યો છે. જ્યારે આ તરફ ભાજપ, શિવસેના, NCP માં હાઇકમાન્ડ સાથે બેઠકો કરી પોતાની શરતે ટીકીટ મેળવવાના પ્રયાસમાં અભિનવ ડેલકરને કોઈએ ભાવ નહિ આપતા આખરે તે સ્વર્ગીય મોહનભાઇ ડેલકરને પગલે અપક્ષ ઉમેદવારી કરશે તેવી અટકળો શરૂ થઈ છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તો અભિનવ ડેલકરે શિવસેના, NCP તેમજ ભાજપના અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી. પરંતુ તેમાં તેઓએ પોતાની કેટલીક શરતો રાખતા આ મિટિંગ પડી ભાંગી છે. જ્યારે ભાજપમાં અંદરો અંદરની ચાલતી નારાજગી જોતા હાઇકમાન્ડ પોતાના કર્મષ્ઠ કાર્યકરો પર વધુ મદાર રાખી લોકસભાની પેટા ચૂંટણી માટે નટુ પટેલની પસંદગી કરી ચૂંટણી પ્રચારમાં લાગી જવા આદેશ આપી દીધો છે.
આ ચૂંટણી અભિનવ ડેલકર માટે પ્રતિષ્ઠા ની ચૂંટણી છે. જે માટે તેણે તમામ તૈયારીઓ કરી રાખી છે. આ ચૂંટણીમાં મતદારોને રીઝવવા એટલે જ બંને પક્ષો એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. મતદારોને રિઝવવા અત્યારથી જ લોભ લાલચ પણ અપાઈ ચુકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાદરા નગર હવેલીમાં મુખ્ય કાર્યકરો માટે લગભગ 100 જેટલા આઈફોનની ખરીદી વાપીની એક મોબાઈલ શોપમાંથી થઈ છે. એ ઉપરાંત દાદરા નગર હવેલીના ઉદ્યોગપતિઓ પાસેથી મોટું ચૂંટણી ફંડ મેળવવા બેઠક થઈ ચૂકી છે. દાદરા નગર હવેલીના બાર એન્ડ રેસ્ટોરન્ટ ના માલિકો સાથે પણ ચૂંટણીમાં કેટલું ફંડ મળશે અને તે બાદ કઈ માંગણી પુરી કરવામાં આવશે તે અંગે પણ બેઠક થઈ ચૂકી હોવાની વિગતો ચર્ચામાં છે.
પેટા ચૂંટણીને લઈને ઉઠતી ચર્ચામાં કેટલો દમ છે તે તો ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ ખબર પડશે. કેમ કે આ અંગે કોઈએ હજુ સુધી ટીકીટ મામલે કે ઉમેદવારી મામલે પોતાની કોઈ જાહેરાત કરી નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે 2 વર્ષ માટે સાંસદ પદ મેળવવા આ ચૂંટણીમાં અભિનવ ડેલકર અને તેની સામે ઉભો રહેનાર કોઈપણ પક્ષનો ઉમેદવાર પૈસાનું પાણી કરશે. જેના પર ચૂંટણી પંચ સતત નજર રાખી રહ્યું છે. જેમાં જેનું પલડું ભારે હશે તે જ મતદારોને રિઝવી આ ચૂંટણીમાં બાજી મારી જશે. કેમ કે મતદારો આખરે મતદારો છે. જેઓ કોઈપણ પ્રવાહમાં તણાયા બાદ પણ આખરે પોતાનું ભલું ક્યાં છે તે વિચારીને જ મતદાન કરશે.