ગુજરાતમાં હાલ જે રીતે રાજકારણમાં પલટા આવી રહ્યા છે. જે રીતે ભાજપ સિવાયના પક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને અન્ય પાર્ટીઓના નેતાઓ ગુજરાતમાં આંટાફેરા મારી રહ્યા છે. ભાજપના નેતાઓ ઉદ્ઘાટનોમાં કાર્યકરોની ફૌજ સાથે જોવા મળી રહ્યા છે. તે જોતા ગુજરાતના મતદારોએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 વહેલી આવશે તેવી આગાહી શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં 22 વરસથી ભાજપ એક હથ્થુ શાસન ચલાવે છે જો કે આ વખતે આ શાસનને ડામાડોળ કરી શકે તેવી ભીતિ ભાજપને છે. કેમ કે આ વખતે કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી ભાજપ ને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે. અને તેના એંધાણ આપ પાર્ટીએ સુરતથી શરૂ કરીને હાલમાં રાજકોટ સુધીની રાજકીય ગતિવિધિઓમાં આપી દીધા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે પર ખાસ રણનીતિ બનાવી કાર્યકરો સાથે પેજ કમિટીના નામે, નવી ટોપી-ખેસ ના નામે સંમેલનો શરૂ કરી દીધા છે. દરેક વિધાનસભાના નેતાઓને કામે લાગી જવા સૂચના આપી દીધી છે.
આ વખતે વિધાનસભા 2022માં દક્ષિણ ગુજરાત જે વર્ષોથી ભાજપ નો ગઢ છે. તેને સલામત રાખવા પાટીલની સૂચના મુજબ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એમાં પણ હાલના નાણાપ્રધાન અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનું દેસાઈ પણ વધુ પડતા સક્રિય બન્યા છે. એક સમયે ચૂંટણી સુધી UPL માં બેસીને રાજકારણની બાજી રમતા કનું દેસાઈ હાલ ફ્રન્ટફૂટ પર આવી ગયા છે. ખાનગી હોસ્પિટલો, ખાનગી પેટ્રોલ પમ્પ, સામાજિક રેલીઓમાં કાર્યકરોની ફૌજ સાથે વિના સંકોચે હાજરી આપી રહ્યા છે.
આ તરફ કોંગ્રેસ પણ કાર્યકરો સાથે બેઠકોના આયોજનો કરી રહી છે. કોંગ્રેસ ના જે કાર્યકરો 2017થી નિષ્ક્રિય હતા તે સક્રિય થયા છે. મોંઘવારી ના નામે એસ.ટી. બસના ટ્રીપો ના નામે આવેદનો આપી ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવી રહી છે. આમ આદમીના કાર્યકરો પણ વીજળીના નામે, ખેડૂતો ની લોનના નામે, રોજગારીના નામે અવેદનપત્રો આપી પોતાની સક્રિયતા સાબિત કરી રહી છે. આ તમામ પક્ષો ના નેતાઓની ગતિવિધિ આગામી ચૂંટણી વહેલી આવશે તે તરફ ઈશારો કરે છે.
તો, ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં કોને ધારાસભ્યની ટીકીટ મળશે અથવા મળવી જોઈએ તે માટે લોબિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં વલસાડ જિલ્લાના ભાજપ ની વાત કરીએ તો આ વખતે વલસાડ જિલ્લામાં અનેક ફેરફાર થવાની શક્યતા છે. જેમાં કદાચ તમામ પાંચેય વિધાનસભામાં નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શકયતા વધુ વર્તાય છે.
જ્યારે કોંગ્રેસ પાસે તો પાલિકાની ચૂંટણી માટે પણ પૂરતા ઉમેદવારો નહોતા એટલે વિધાનસભાની ચૂંટણીમાં બધો દારોમદાર જુના અને વગોવાયેલા નેતાઓ પર જ નિર્ભર રહેશે તેવી શકયતા વર્તાય રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી ભાજપ-કોંગ્રેસના નારાજ ટીકીટ વાંચ્છું ઓને ટીકીટ આપી ભાજપના એકહથ્થુ શાસનને ડામાડોળ કરી શકે છે. જો કે હાલમાં અન્ય રાજ્યમાં આમ આદમી પાર્ટીએ જે રીતે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે તે જોતા ગુજરાતમાં પણ વિધાનસભા 2022ની ચૂંટણીમાં નવાજુની કરીને રહેશે.