Tuesday, February 25News That Matters

બિસ્માર વાપી-શામળાજી NH-56 પર ખાડાપૂજન બાદ કોંગ્રેસે આપેલી ચીમકીનું સુરસુરીયું થયા બાદ, ઉમરગામના બિસ્માર રસ્તા અને રખડતા ઢોરના આવેદનપત્રમાં થયા અપમાનિત…….!

સપ્તાહ પહેલા 6 સપ્ટેમ્બરે વાપીના કરવડ વિસ્તારમાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56ની બિસ્માર હાલત પર કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી સપ્તાહમાં ડામર રોડ નહિ બને તો રસ્તા પર બેસી રસોઈ બનાવી જમણવાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે, આ બિસ્માર રોડ એક સપ્તાહ બાદ પર ડામર રોડ બન્યો નથી. એવામાં કરવડ ખાતે ખાડા પૂજનમાં ગેરહાજર રહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના માજી સાંસદની આગેવાનીમાં ઉમરગામ તાલુકાના વિવિધ બિસ્માર રસ્તાઓ મામલે ઉમરગામ માલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતાં. જ્યાં અધિકારીએ આવેદનપત્ર લેવાને બદલે ચાલતી પકડતા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

સપ્તાહ પહેલા 6 સપ્ટેમ્બરે વાપીના કરવડ વિસ્તારમાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56ની બિસ્માર હાલત પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. અને સપ્તાહમાં જો ડામર રોડ નહિ બને તો રસ્તા રોકો આંદોલન કરી, એક સપ્તાહ સુધી રસ્તા પર બેસી રસોઈ બનાવી જમણવાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે, આ બિસ્માર રોડ એક સપ્તાહ બાદ પર ડામર રોડ બન્યો નથી.

6 સપ્ટેમ્બરે વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56ની બિસ્માર હાલત પર કરવડ ખાતે ખાડા પૂજનમાં ગેરહાજર રહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, કોંગ્રેસના માજી સાંસદ કિશન પટેલની આગેવાનીમાં ઉમરગામ તાલુકાના વિવિધ રસ્તાઓ પરના ખાડાઓનું વહેલી તકે પુરાણ કરવામાં આવે, રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી આવા ઢોર માટે ઢોરવાડા કે પાંજરાપોળ ની વ્યવસ્થા કરવામાં આવે, મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને બેસવા માટે બાંકડા સહિત શેડની વ્યવસ્થા પુરી પાડવામાં આવે. તો, આદિવાસી સમાજના અને અન્ય સમાજના જે બાળકો ને અભ્યાસ માટે જાતિ પ્રમાણપત્ર ની જરૂરિયાત ઉભી થાય છે. તેમાં જાતિ અને આવકના દાખલા ના પેપર અલગ અલગ કલરમાં સારી ક્વોલિટીના પેપરમાં આપવા જેવા વિવિધ મુદ્દાને લઈને ઉમરગામ માલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતાં.

જો કે, ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આવેદનપત્ર અંગે કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, કચેરીમાં તેઓ આવેદનપત્ર આપવા આવ્યા છે. તે અંગેની જાણ હોવા છતાં અને આવેદનપત્ર સાથે કાર્યકરો હાજર હતા તેમ છતાં અધિકારીએ આવેદનપત્ર લેવાને બદલે તેમની સામેથી ચાલતી પકડી હતી. અધિકારીને આવેદનપત્ર આપવાના કોંગ્રેસના મનસૂબા પર પાણી ફરી વળ્યાં બાદ અને અપમાનિત જેવી લાગણી અનુભવ્યા બાદ કોંગ્રેસે કચેરી ના અન્ય મહિલા કર્મચારીને આવેદનપત્ર સુપ્રત કરી સંતોષ માન્યો હતો.

કોંગ્રેસે આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ હાલ ભિલાડ, સંજાણ, ઉમરગામ, સરીગમને જોડતા તમામ રસ્તાઓ ખાડા માર્ગ બન્યા છે. સરીગામ GIDC થી નરગોલ તરફનો માર્ગ હોય કે, સરીગામ થી મોહનગામ થઈ મોટી દમણ તરફનો માર્ગ હોય તમામ માર્ગ બિસ્માર બનતા અનેક નાનામોટા અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં પણ આ માર્ગ પર દિવસ રાત આવારા પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય જાનમાલની મોટાપાયે નુકસાની થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સમિતિ દ્વારા ગત 6 સપ્ટેમ્બરે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વાપીના કોંગ્રેસી આગેવાનોએ વાપીના કરવડ વિસ્તારમાં ખાડા પૂજન કર્યું હતું. જે સમયે ઉમરગામના મહત્વના કોંગ્રેસી કાર્યકરો ગેરહાજર રહ્યા હતાં. જેમાં ખુદ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી કોંગ્રેસી સાંસદનો પણ સમાવેશ થતો હતો. જે સમયે ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ સરકારનો હુરિયો બોલાવી આ વાપી શામળાજી માર્ગ એક સપ્તાહમાં ડામર માર્ગ નહિ બને તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

6 સપ્ટેમ્બરના આ ખાડા પૂજન દરમ્યાન બિસ્માર માર્ગ અંગે ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે જો સરકાર સાનમાં નહીં સમજે તો રસ્તા રોકો આંદોલન કરી એક સપ્તાહ સુધી આ હાઈવે ચોક-અપ કરીશું. રસ્તા પર જ રસોઈ બનાવીશું અને જમણવાર પણ આ રસ્તા પર જ કરીશું. જ્યાં સુધી ડામર રોડ નહિ બને ત્યાં સુધી રસ્તા પર ખાડાઓનું પૂજન કરતા રહીશું.

જો કે આજે 13મી સપ્ટેમ્બરે કોંગ્રેસની આ ચીમકીનો અંતિમ દિવસ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. ને વાપી-શામળાજી માર્ગ ની હાલત જૈસે થે વૈસી જ છે. ડામર રોડ બન્યો નથી. હવે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ ના એ કહેવાતા આગેવાનો અહીં ક્યારથી રસ્તા રોકો આંદોલન શરૂ કરી જમણવાર કરશે. અને એ સમયે ઉમરગામ માલતદાર કચેરીએ થયેલા ફિયાસ્કા થી અપમાનિત થયેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, માજી સાંસદ, ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો હાજર રહેશે કે કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *