વાપી GIDC થર્ડ ફેઈઝ વિસ્તારમાં આરતી કેમિકલ કંપની સામે મુખ્ય માર્ગની સાઈડમાં ઉભેલ ટ્રકની પાછળના ભાગે બાઇક ચાલક ઘુસી જતા બાઇક પર સવાર 2 યુવકો ઘાયલ થયા હતા જેમાં એકનું સારવાર દરમ્યાન મોત થતા અરેરાટી ફેલાઈ છે. મૃતક કરવડનો રહેવાસી હતો. અને પાંચ બહેનોનો એક નો એક ભાઈ હતો.
વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ વાપી કરવડ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય રોહિત ગોવર્ધન જૈન તેમના મિત્ર હાર્દિક સાથે થર્ડ ફેઈઝમાં નોકરી પર આવ્યો હતો. જ્યાંથી તેમની GJ15-DK-5537 નંબરની બાઇક પર પરત ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે, આરતી કેમિકલ કંપનીના ગેટ સામે સાઈડમાં ઉભેલી GJ15-AU-2643 નંબરની ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. ટ્રકની પાછળ બાઇક સમેત અચાનક ઘુસી જતા બાઇકચાલક રોહિત અને પાછળ બેસેલ હાર્દિક બંનેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેઓએ પોલીસને જાણ કરવા સાથે બંને ઘાયલ યુવકોને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જ્યાં રોહિત જૈનનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રોહિત પાંચ બહેનો વચ્ચે એક નો એક ભાઈ અને પરિવારમાં માતા પિતાની પાંચ પુત્રીઓ વચ્ચે એક નો એક પુત્ર હતો. જેનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એક ના એક ભાઈના મૃત્યુથી બહેનોએ હૈયા ફાટ આક્રંદે કઠણ કાળજાના માનવીઓનું પણ કાળજું કંપાવી દીધું હતું.