વડોદરાની એક સભામાં કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર કરેલા કમિશન-ક્રાઇમ અને કરપ્શન માં વિકાસ તેમજ ગુજરાત ડ્રગ્સ ગેટવે, મોદીનો રાવણ જેવો અહંકાર જેવા પ્રહારોના જવાબ બિહાર ભાજપના સંજીવ ચૌરસિયાએ વાપીમાં આપ્યા હતા. વાપીમાં કનુભાઈ દેસાઈના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવેલા બિહાર ભાજપના સંગઠન મહામંત્રી સંજીવ ચૌરસિયાએ કોંગ્રેસ પર પ્રતિઆક્ષેપ કરી આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી ને લઈ હાલ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી ચૂંટણીમાં ગરમાટો લાવી રહ્યા છે. ત્યારે પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈના પ્રચાર માટે વાપીમાં મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે. વાપીમાં ભાજપ બિહાર સંગઠનના મહામંત્રી સંજીવ ચૌરસીયા અને મુંબઈ વિલે પારલે ના ધારાસભ્ય પરાગ અલવાણી ના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈના ચૂંટણી પ્રચાર માટે વાપીમાં પેપીલોન હોટેલ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કનુભાઈના ચૂંટણી પ્રચાર માટેના મધ્યસ્થ કાર્યાલયનું ભાજપ બિહાર સંગઠનના મહામંત્રી અને પારડી વિધાનસભા ચૂંટણીના નિરીક્ષક સહાયક સંજીવ ચૌરસીયા અને મુંબઈ વિલે પારલે ના ધારાસભ્ય પરાગ અલવાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામે કનુભાઈ ત્રીજી વખત મોટા માર્જિનથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો, પારડીના આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય શાહને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતાં.

કનુભાઈ દેસાઈના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાજપ બિહાર સંગઠનના મહામંત્રી અને પારડી વિધાનસભા ચૂંટણીના નિરીક્ષક સહાયક સંજીવ ચૌરસીયાએ વડોદરાની એક સભામાં કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર કરેલા કમિશન-ક્રાઇમ અને કરપ્શન માં વિકાસ તેમજ ગુજરાત ડ્રગ્સ ગેટવે, મોદીનો રાવણ જેવો અહંકાર જેવા આક્ષેપ સામે કોંગ્રેસના નેતા રાહુલગાંધી અને દિગ્વિજય પર આકરા પ્રતિઆક્ષેપ કર્યા હતાં. બિહાર ભાજપના સંજીવ ચૌરસિયાએ જણાવ્યું હતું કે, જેનો જેવો કર્મ છે તેનો તેવો ધર્મ છે. ટ્રિપલ C કોંગ્રેસનો ધર્મ રહ્યો છે. કોંગ્રેસ કરપ્શન ક્રાઇમ અને કેશ આ ત્રિપલ સી પર ચાલતી આવી છે. એટલે તેમને તે જ દેખાઈ રહ્યું છે. જે વિકાસ અને વિશ્વાસ ભાજપે જનતાને અપાવ્યો છે તે તેમને દેખાશે નહીં, કેમકે તેમનો આધાર જ કમિશન ક્રાઇમ અને કેશ પર રહ્યો છે. ભાજપની સરકારમાં એક બટન દબાવીને કરોડો રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે.

કોંગ્રેસના સમયમાં એક રૂપિયો મોકલતા અને જનતા સુધી 10 પૈસા પહોંચતા હતા. એટલે જનતા નક્કી કરશે કે તેના સમયમાં શું થયું છે. ગુજરાતમાં પકડાયેલ ડ્રગ્સ મામલે દિગ્વિજયસિંહે કરેલા આક્ષેપ અને ગુજરાતને ડ્રગ્સ ગેટવે તરીકે ઓળખાવવાના આક્ષેપ સામે સંજીવ ચૌરસિયાએ જણાવ્યું હતું. કે આવા મામલાઓ પર સખ્ત કાર્યવાહી કરી સંપૂર્ણ કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લાંબા સમય સુધી કોંગ્રેસના નેતાઓએ જ લોકોને ભ્રમિત કર્યા છે. તો, મોદીને વિકાસના અંહકારી ગણાવી રાવણ સાથે સરખાવવાના આક્ષેપ સામે જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિકાસના ચશ્માનો પાવર ખતમ થઈ ચૂક્યો છે. એટલે ભારતને તોડવા વાળા આજે ભારત જોડો યાત્રા કાઢી ભારતને જોડવા નીકળ્યા છે. અહંકાર તો રાહુલ ગાંધીનો બોલી રહ્યો છે જેણે વીર સાવરકર માટે અશોભનીય વાત કહી છે. મીડિયા ને ઇવેન્ટ બનાવવા નિવેદનો કરે છે પરંતુ તેનો ઇવેન્ટ બનાવવાનો સમય ચાલ્યો ગયો છે. હવે વિકાસના ઈવેન્ટ ની વાત ચાલી રહી છે. વિકાસના એજન્ડા પર ભાજપ કામ કરી રહ્યું છે.

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખોટા બયાન આપી ખોટી દિશામાં કામ કરી રહી છે. જનતા તે સમજી ગઈ છે. ફ્રી ફ્રી કરીને જનતાને ભોળવી નહીં શકે, ભાજપે આપવાનું કામ કર્યું છે. જેના પ્રતાપે જ આજે દેશમાં જે ગરીબી 22% હતી તે 10 ટકા પર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ જોવા મળી રહ્યો છે.

મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી ના પ્રમુખ વિજય શાહે આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ભાજપથી વિખુટો પડીને પણ તે વિખુટો ના રહી શક્યો. એક વર્ષથી સત્ય નિષ્ઠાથી કામ કર્યું કરપ્શનનો વિરોધી રહ્યો પણ જ્યાં કરપ્શન અને જનહિતની વાત જ થતી ના હોય એટલે હું ત્યાં રહી શક્યો નહિ. આવનારા દિવસોમાં મારી સાથેના અન્ય 300 કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જ્યાં રામ નહિ હોય ત્યાં કંઈ નહીં હોય, જે રામના નથી તે કોઈના નથી.

ઉલ્લેખનીય છે કે, બિહાર અને મહારાષ્ટ્રથી પારડી વિધાનસભાના નિરીક્ષક તરીકે આવેલા ભાજપના નેતાઓના હસ્તે કનુભાઈ દેસાઈ ઉપરાંત ઉમરગામ વિધાસભાના ઉમેદવાર રમણલાલ પાટકરના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુઁ આ પ્રસંગે વલસાડ-ડાંગના સાંસદ, વાપીના શહેરના પ્રમુખ, પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. અને કનુભાઈ જંગી લીડથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.