વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો હોય અહીં આવેલા ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યના લોકો રોજગાર માટે સ્થાયી થયા છે. જેઓ તેમના રાજ્યના પરંપરાગત પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે. જે અંતર્ગત બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા રવિવારે હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં વાપીના દમણગંગા નદી કિનારે ચૈત્રી છઠ પૂજાનું આયોજન કરવાની અને 2023થી બિહાર દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
હર્ષ ઉલ્લાસ અને રંગોના પર્વ હોળીની બિહારમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ તહેવારની ઉજવણી વાપીમાં વસતા બિહારના તમામ પરિવારો એક મંચ હેઠળ આવીને કરી શકે તેવા ઉદેશયથી વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિતિ સૌ કોઈએ એકબીજાને અબીલ-ગુલાલના તિલક કરી તિલક હોળી મનાવી હોળી પર્વની શુભેચ્છા આપી હતી.
હોળી મિલન સમારોહમાં એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યુ હતુ કે આ સમારોહમાં દરેકને હોળીની શુભકામના આપી છે. બિહાર વેલ્ફેર એસોસિએશનની ટીમે કોરોના કાળ માં બિહારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. જે માટે તેમની ટીમનું બિહાર સરકારે સન્માન કર્યું છે. એ માટે અમે એસોસિએશન વતી તેમનો આભાર માનીએ છીએ. ગત વર્ષે કોરોના કાળને કારણે આસ્થાના પ્રતીક સમાં છઠ્ઠી મૈયાની છઠ પૂજાનું આયોજન કરી શકાયું નહોતું. વર્ષમાં 1 વાર કારતક મહિનામાં અને બીજી ચૈત્ર મહિનામાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આગામી મહિનાની 7 અને 8 એપ્રિલ એમ 2 દિવસ વાપીની દમણગંગા નદી કિનારે ચૈત્રી છઠ પૂજાનું આયોજન કરવામાં આવશે. વાપીમાં રહેતા તમામ છઠ વ્રતધારીઓ ને પધારવા આમંત્રણ આપી ચૈત્રી છઠ પૂજાની જાહેરાત કરી હતી. તો, એ સાથે વિપુલ સિંઘે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2023માં એસોસિએશન દ્વારા વાપીમાં બિહાર દિવસની ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1912માં 22 માર્ચે બંગાળ પ્રેસિડેન્સીમાંથી બિહારને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષની 22 માર્ચે બિહાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 22 માર્ચ 1912માં બંગાળ થી બિહારને અલગ કર્યા બાદ 1935માં બિહારથી ઓરિસ્સાને અલગ રાજ્યનો દરજ્જો આપ્યો હતો.જ્યારે વર્ષ 2000માં બિહારના ઝારખંડને અલગ કરી અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો, બિહારમાં છઠ્ઠી મૈયાની પૂજાનું કઠોર વ્રત ગણાતા છઠ પૂજાનું પણ અનેરું મહત્વ છે. જેમાં પ્રથમ દિવસે ઢળતી સાંજે નદી કિનારે જઇ વ્રતધારીઓ સૂર્યદેવને અર્ધ્ય આપે છે. જ્યારે બીજા દિવસે વહેલી સવારમાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપી વ્રતના પારણા કરે છે. આ વ્રત મોટેભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.