વાપીમાં મોદીના આગમન પહેલા તેની કાર નો કાફલો જે કોર્ડન કરેલ રૂટ હતો તેની પરથી પસાર થાય તે પહેલાં એક કૂતરું આવી જતા પોલીસ જવાનો અને ભાજપના કાર્યકરો માં ઉચાટ ફેલાયો હતો. જો કે ભાજપના કાર્યકરોએ કુતરાના મોઢા અને આંખના ભાગે કપડું બાંધી તેનું રેસ્કયુ કરી સુરક્ષિત સ્થળ પર મૂકી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
વાપીમાં શનિવારે મોદીનો કાફલો દમણથી નીકળીને વલસાડ ના ઝુઝવા ખાતે જવાનો હતો. ત્યારે વાપીમાં ચલા રોડ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોદીના કાફલાને લઈ તંત્રએ વાપી ચલા દમણ રોડ પર અંદાજિત ચારેક કલાક ટ્રાફિક બંધ કરી બેરીકેટેડ લગાડી માર્ગને બને બાજુ કોર્ડન કર્યો હતો. તેમજ લોકો મોદી ની ઝલક મેળવવા અને તેના અભિવાદન ઝીલવા ઉભા રહી શકે તેવું વિશેષ આયોજન કર્યું હતું.
જો કે સાંજના 5 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં વાપીવાસીઓ અહીં એકત્ર થયા હતાં. તે સમયે અચાનક એક કૂતરું મુખ્ય કોર્ડન કરેલા માર્ગ પર આંટાફેરા મારવા લાગ્યું હતું. જેને 2થી 3 વાર બહાર કાઢ્યા બાદ પણ તે ફરી કોર્ડન કરેલા માર્ગ પર આવી જતું હતું. લોકોની મેદનીને કારણે કૂતરું ગભરાઈ ને રોડ પર બેસી ગયું હતું. જે કેમેય કરીને બહાર જતું નહોતું આખરે પોલીસ જવાનોએ કૂતરાને રોડ પરથી હટાવવાની કવાયત હાથ ધરી હતી. જેમાં નિષ્ફળતા મળતા, વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહ કૂતરાની નજીક બેસી તેને પંપાળી બહાર કાઢવાની કોશિશ કરી હતી.
જો કે એક તરફ મોદીનો કાફલો નીકળવા માટે ગણતરીની મિનિટ જ બાકી હોય આખરે કૂતરા પકડી જાણતા ભાજપના 2 કાર્યકરોએ કૂતરાને પકડવાની ચેલેન્જ ઉપાડી હતી. જેમાં કૂતરું ગભરાયું હોય કરડવાની કોશિશ કરતું હતું. જેથી એક કપડું તેના મોઢા અને આંખના ભાગે બાંધી કૂતરાને તાબડતોબ ઊંચકી મોદીનો કાફલો આવે તે પહેલાં મુખ્ય માર્ગ પરથી રેસ્કયુ કરી ખુલ્લી જગ્યામાં છોડ્યું હતું. કૂતરાનું રેસ્કયુ થતા વાપી ભાજપના આગેવાનો, સુરક્ષા બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.