વલસાડ :- તૌકતે વાવાઝોડા દરમ્યાન 50થી વધુ લોકોને ભરખી જનારા બાર્જ-પી 305નો સામાન હવે ગુજરાતના દરિયા કિનારે આવી રહ્યો છે. શનિ-રવિવારે વલસાડના તિથલ બીચ નજીક 7 ક્રુમેમ્બરોના મૃતદેહો મળી આવ્યા બાદ સોમવારે નારગોલ-માલવણ બીચ પર લાઈફસેવિંગ બોટ જેવી 2 ટેન્ક, એક બેગ કિનારે તણાઈને આવ્યાં હતાં. આ તમામ ચીજવસ્તુઓનો ઉમરગામ ટાઉન અને મરીન પોલીસે કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
શનિ-રવિવારે તૌકતે વાવાઝોડા દરમ્યાન બાર્જ પી-305ના ગુમ ક્રુમેમ્બરોમાંથી 7ના મૃતદેહો દરિયાની ભરતીમાં તણાઈને વલસાડ તિથિલના દરિયા કિનારે આવ્યાં હતાં. જે બાદ સોમવારે આ બાર્જના ક્રુમેમ્બરોએ બચાવ માટે ઉપયોગમાં લીધેલ 2 લાઈફસેવિંગ બોટ એક મોટી કેબિન અને મેમ્બરોની ચીજવસ્તુઓ સાથેનો થેલો ઉમરગામના નારગોલ-માલવણ બીચ ખાતે ભરતીમાં તણાઈને કિનારે આવ્યો હતો. જે અંગે સ્થાનિક લોકોએ ઉમરગામ ટાઉન પોલીસ, મરિન પોલીસને જાણ કરતા પોલીસની ટીમે ઘટના સ્થળે જઇ તમામ ચીજવસ્તુઓનો કબ્જો લીધો હતો. અને આ અંગે જે તે સંબંધિત એજન્સીને જાણકારી આપી હતી.
પોલીસને બાર્જ પી-305ના કાટમાળ સાથે હાથ લાગેલી લેપટોપ બેગમાં શ્રીકાન્ત કિરીટચંદ્ર ખતુઆ નામના યુવકના શૈક્ષણિક સર્ટિફિકેટ, મોબાઈલ ફોન, ઘડિયાળ, આધારકાર્ડમાં, બેંકનું ATM કાર્ડ સહિતની ચીજવસ્તુઓ મળી છે. યુવકના શૈક્ષણિક સર્ટિફિકેટમાં વેસ્ટ બંગાળ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનનું સર્ટિફિકેટ હોય તે વેસ્ટ બંગાળનો હોય અને તેની ચીજવસ્તુઓ સાથેની બેગ અહીં કિનારે આવી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તારીખ 16 થી 18મી મેં દરમ્યાન મુંબઈ-ગુજરાતને તૌકતે નામના વાવાઝોડાએ ઘમરોળ્યુ હતું. આ વાવાઝોડામાં ONGC ના ક્રુમેમ્બર અને કર્મચારીઓ સાથેનું બાર્જ પી-305 ફંગોળાતા તેમાં સવાર કર્મચારીઓ ફસાયા હતાં. કોસ્ટગાર્ડ ની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મોટાભાગના લોકોને હેમખેમ બચાવ્યા હતાં. તેમ છતાં 50થી વધુ લોકો દરિયાના પાણીમાં ગુમ થયા હતાં. જેની શોધખોળ કોસ્ટગાર્ડ અને અન્ય એજન્સી ચલાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દરિયામા ડૂબેલા બાર્જનો કાટમાળ અને ક્રુમેમ્બરોનો માલસામાન હવે દરિયા કિનારે લાગી રહ્યી છે. વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના દરિયા કિનારે સીમેન્સની ફરજ બજાવતા કર્મચારીની બેગ અને લાઈફસેવિંગ બોટ જેવી મોટી ટેન્ક તણાઈ આવી હતી. તો વધુ સામાન પણ દરિયામા અન્ય સ્થળો તરફ કિનારે આવ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. આ ચીજવસ્તુઓનો ઉપયોગ મૃત્યુ પામેલા ક્રુ મેમ્બરોએ અંતિમ ક્ષણ દરમ્યાન બચાવ માટે કર્યો હોય તેવી આશંકા સેવાઈ રહી છે.