Sunday, December 22News That Matters

બલિઠા બાયપાસ : વાપીમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવાનો આ છે અફલાતૂન આઈડિયા

વાપી :- વાપીમાં દિવસો દિવસ ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. વાપી GIDCના ઔદ્યોગિક એકમો, સેલવાસ-દમણ અને મુંબઈ અમદાવાદ તરફનો વાહન વ્યવહાર વાપીમાં ટ્રાફિક સમસ્યા માટે મુખ્ય કારણ છે. ત્યારે વાપીમાં આ સમસ્યા હલ કરવા માટેનો એક એફલાતુંન આઈડિયા છે. જેનો અમલ થાય તો વાપીમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય તેમ છે.
વાપીમાં ઔદ્યોગિક એકમોને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે. હાઇવે પર સર્વિસ રોડ પર મોટા મોટા ટોલા પાર્ક કરી દેવાને કારણે સલવાવથી ગુંજન સુધીનો સર્વિસ રોડ પાર્કિંગ રોડ બન્યો છે. એ ઉપરાંત વાપી ચારરસ્તા, VIA ચાર રસ્તા, ભડકમોરા, ચણોદમાં વાહન લઈને જવું એટલે માથાનો દુખાવો છે. એવી જ વાપી ટાઉનની હાલત છે. વાપી દમણ માર્ગ પર રેલવે બ્રિજ દિવસના પિક અવર સમયમાં મોટેભાગે વાહનોની કતારોથી જામ રહે છે. આ તમામ સમસ્યા અંગે વર્ષોથી નિવેડો લાવવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ વહીવટી તંત્ર અને નપાણીયા નેતાઓ આ સમસ્યામાંથી વાપીના નગરજનોને છુટકારો અપાવી શક્યા નથી.
હાલ માં આ સમસ્યા ખૂબ વધુ વિકરાળ બની છે. ત્યારે હવે બલિઠા ગામ આ ટ્રાફિક માંથી છુટકારો અપાવી શકે તેમ છે. બલિઠા વાપી નગરપાલિકા, વાપી GIDC અને હાઇવેને જોડતું ગામ છે. આ ગામમાંથી દમણગંગા નહેર પસાર થાય છે. તેમજ બીલખાડી પણ પસાર થાય છે. નહેર ના બંને કાંઠે ગામલોકોની અવરજવર માટે રોડ છે. જો આ જ રોડને બોમ્બે રેસ્ટોરન્ટ ની નજીકથી પસાર થતી કેનાલને સમાંતર ફોર લેન બનાવવા આવે તો આ માર્ગ ટ્રાફિક સમસ્યા હળવી કરવા ઉપરાંત GIDC, સેલવાસ, ધરમપુર, નાસિક જતા હજારો વાહનચાલકો માટે જીવાદોરી સમાન માર્ગ બની શકે છે.
હાઇવે નંબર 48 પર તાલુકા મામલતદાર કચેરીથી નહેરને સમાંતર આ માર્ગ સીધો છરવાડા-છીરી થઈ થર્ડ ફેઇઝમાં વાઈટલ લેબોરેટરીઝની પાછળના ભાગના S-કાંત નજીક કનેક્ટેડ નોટિફાઇડના રોડ સાથે કનેક્ટ કરી શકાય છે. જો વાપીના રાજકીય આગેવાનો અને વહીવટીતંત્ર આ અંગે વિચાર વિમર્શ કરી ઇચ્છાશક્તિ દર્શાવે તો વાપી ની ટ્રાફિક સમસ્યા ચોક્કસ હળવી થઈ શકે છે.
એ જ રીતે અહીંથી વાપી ટાઉન તરફ રેલવે બ્રિજ બની રહ્યો છે. એટલે વાપી ટાઉનમાં અને દમણ તરફ જવા માટે પણ વાહનચાલકોને બાયપાસ રોડ મળી શકે અને ટાઉન તેમજ GIDC વિસ્તારમાં ઉભી થતી ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે. આ જ રોડ ને VIA ચાર રસ્તા સાથે કનેક્ટ કરી વાયા UPL થી હાઇવે તરફનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરી શકાય છે. બસ જરૂર છે. સાચી નિર્ણયશક્તિ ધરાવતા અધિકારીઓની અને નેતાઓની જો એ ઇચ્છાશક્તિ કેળવાય જાય તો સમજો વાપી કાયમ માટે ટ્રાફિક મુક્ત શહેર બનશે એમાં કોઈ બેમત નથી.
એક આડવાત વાપીમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન ભડકમોરા ચંદ્રલોક બિલ્ડીંગ નજીક તેમજ ડુંગરા કરવડ માર્ગ પર મસમોટા ખાડા પડે છે. આ ખાડાઓને કારણે અસંખ્ય વાહનચાલકોના વાહનો બગડી રહ્યા છે. અકસ્માત થઈ રહ્યા છે. અહીં સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવવાનો ગોળ પારડી, ઉમરગામના ધારાસભ્યોએ અને હાઇવે ઓથોરિટીએ જનતાની કોણીએ ચોપડ્યો છે. જે 4 વર્ષે પણ પ્રજા ચાટી શકી નથી. ત્યારે આ પ્રકારના અફલાતૂન આઈડિયા પર અમલ થશે કે કેમ તે સંદેહ છે. જો બલિઠાથી બાયપાસ રોડ બનશે તો આ દર વર્ષે ખાડા પડતા માર્ગથી લોકો હાશકારો અનુભવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *