Friday, December 27News That Matters

બલિઠામાં કચરામાં ભભૂકી આગ, ભંગારિયાઓ ઝાડના પાંદડાથી બુઝાવવા નીકળ્યા!

વાપી :- મંગળવારે બલિઠા ગામમાં ટોયોટો શૉ રૂમ પાછળ ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉનમાં એકઠો થતો નકામો કચરો બાજુના ખુલ્લા પ્લોટમાં ઠાલવ્યો હોય આ કચરામાં આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આગની ઘટના બાદ આસપાસના ભંગારીયાઓએ ભેગા મળી આગને બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા હતાં. 

નવાઈની વાત તો એ સામે આવી હતી કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. નજીકના GEB ના વાયરો અને ટ્રાન્સફોર્મર ને નુકસાન પહોંચાડ્યું હતું. તો પણ ભંગારિયાઓ માણસો ફાયરને જાણ કરવાને બદલે ઝાડની ડાળીઓ કાપી તેના પાંદડાથી આગને બુઝાવવાનો નિરર્થક પ્રયાસ કરતા જોવા મળ્યા હતાં.

જો કે આગને વધતી જોઈ અને ધુમાડાના ગોટેગોટા ઉઠતા આસપાસના ગભરાયેલા લોકોએ ફાયરને જાણ કરી દેતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. 

વાપી નજીક બલિઠા, છરવાડા, છીરી, સલવાવ, ચણોદ, ડુંગરામાં મોટાપાયે ગેરકાયદેસર ભંગારના ગોડાઉનો ધમધમે છે. જેમાં દર અઠવાડિયે એક મોટી આગની ઘટના બને છે. પરન્તુ ગામના સરપંચોથી માંડી ને GPCB ના અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખતા આ માથાભારે ભંગારિયાઓ સામે ક્યારેય કોઈ સખ્તાઈ ભરી કાર્યવાહી થતી નથી. ત્યારે જો આવું જ ચાલતું રહેશે તો ક્યારેક આ ભંગારના ગોડાઉનમાં લાગતી આગ મોટી હોનારત સર્જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *