રિપોર્ટ :- કે. એન. વેપારી
વલસાડ :- તાઉ-તે વાવાઝોડામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કૃષિ સહાય જાહેર કર્યા બાદ ઉમરગામ તાલુકામાં 49 ગામમાંથી મોટાભાગના ગામમાં બોગસ લાભાર્થીઓ કૃષિ સહાયનો લાભ મેળવ્યો હોવાની વિગતો aurangatimes પાસે છે. જેમાં કેટલાક તો એવા ગામના લાભાર્થીઓ છે જે ગામમાં તેઓ પાસે કોઈ ખેતીની જમીન નથી.
Aurangatimes એ મેળવેલી વિગતોમાં ઉમરગામ તાલુકામાં જે કુલ 1234 લાભાર્થીઓનુ લિસ્ટ છે તેમાં દરેક ગામ મુજબ વાત કરીએ તો અચ્છારીમાં 39, અંકલાશમાં 15, આહુમાં 27, અણગામમાં 25, ભાઠી કરમબેલીમાં 16, ભિલાડમાં 15, બોરીગામમાં 38, દહાડમાં 2, દહેલીમાં 16, ધનોલીમાં 5, ધીમસાચ કાંકરિયામાં 01, હુંમરણમાં 02, કચીગામમાં 16, ખતલવાડામાં 31, નગવાસમા 09, નારગોલમાં 24, સંજાણમાં 09, સોળસુંબામાં 12, વલવાડામાં 19, ઝરોલીમાં 12, બોરલાઈનમાં 32, દહેરીમાં 22, એકલહેરેમાં 24 ,ગોવાડામાં 28, ઝમ્બુરીમાં 22, કલગામમાં 99, કરમબેલીમાં 25, ટીંભીમાં 10, તલવાડામા 09, તડગામમાં 13, સરોન્ડામાં 33, સરઈમાં 11, પલગામમાં 14, નંદીગ્રામમાં 02, નાહુલીમાં 23, મરોલીમાં 20, માણેકપુરમાં 12, માંડામાં 65, મમકવાડામાં 13, મલાવમાં 10, સરીગામમાં 32, પુનાટમાં 26, પાલી કરમબેલીમા 44, પાલીમાં 84, મોહનગામમાં 85, કાલઇમાં 20, ફણસામાં 52, ધોડીપાડામાં 55, વાંકાસમાં 8 અને તુમ્બના 8 લાભાર્થીઓનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ઉમરગામ ટાઉનમાં વસવાટ કરતા કેટલાક લાભાર્થીઓ એ પણ કૃષિ સહાયનો લાભ મેળવ્યો છે.
આ તમામ લાભાર્થીઓને કેન્દ્ર સરકાર તરફથી ઝાડની નુકસાની ફળ ખરી જવાની નુકસાની પેટે ઓછામાં ઓછા 4200 રૂપિયા, જ્યારે રાજ્યસરકાર તરફથી ઓછામાં ઓછામાં ઓછા 2100 રૂપિયા લેખે કુલ લાભાર્થીઓને 2100 રૂપિયાથી લઈને 58,800 રૂપિયા સુધીની સહાય ચૂકવાઈ છે. એકલા ઉમરગામમાં આવા લાભાર્થીઓ માટે કુલ 2.51 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. જેમાં સરકારી ખેતીવાડીના અધિકારીઓએ કોઈ સ્થળ તપાસ કરી નહિ, ગ્રામ સેવકે પણ કોઈ ખરાઈ કરી નહિ એટલે એવા લોકોએ પણ લાભ મેળવી લીધો જે ખેડૂતો નથી, વર્ષોથી જે જમીનમાં ખેતી થતી નહોતી, તો, નારગોલ, મરોલી, ફણસા, કલગામ, તળગામ જેવા ગામોમાં તો ખેડૂતને બદલે મચ્છીમારીનો વ્યવસાય કરતા લોકોએ પણ કૃષિ સહાયનો લાભ મેળવી લીધો છે. જ્યારે અણગામ, અચ્છારી, ભાઠી કરમબેલી, દહેલી, કચીગામ, ખતલવાડા, નગવાસ, વલવાડા, બોરલાઈ જેવા ગામોમાં બોગસ ફોર્મ ભરી સહાય મેળવી છે. કલગામમાં તો 99 લાભાર્થીઓએ સહાય માટે ફોર્મ ભર્યા છે જેમાં કેટલાય બોગસ હોવાની રાવ મુખ્યપ્રધાનને કરવામાં આવી છે.