વિદેશ જવાના મોહમાં અનેક યુવાનો નકલી પાસપોર્ટ બનાવીને કે અન્ય કોઈ કિમીયા શોધીને વિદેશ જવાની કોશિશ કરતા હોય છે. જેમાં ક્યારેક પોલીસ કે અન્ય એજન્સીના હાથે ઝડપાયા બાદ જેલની હવા ખાવી પડે છે. આવા જ એક દમણના ભેજાબાજ યુવાનની ગુજરાત ATS ની ટીમે ધરપકડ કરી છે. ગુજરાત ATSની ટીમે પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણથી મુંબઈ અને મુંબઈથી લંડન થઈ પોર્ટુગલ જવાની તૈયારી કરતા શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, દમણનો શખ્સ પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણથી રોડ માર્ગે મુંબઇ એરપોર્ટ પહોંચી ત્યાંથી ફ્લાઈટમાં લંડન જવાનો છે. જ્યાથી પોર્ટુગલ જશે. જે બાતમી આધારે ગુજરાત ATSની ટીમે દમણ- મુંબઈ રોડ ઉપરથી ગણેશ ટંડેલ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
દમણ ખાતે રહેતા અને પોર્ટુગલનો નકલી પાસપોર્ટ ધારક ગણેશ ટંડેલ દમણથી મુંબઇ એરપોર્ટ અને ત્યાંથી લંડન બાદ પોર્ટુગલ જવાની પેરવી કરનાર ગણેશ ટંડેલને રસ્તામાં અટકાવી ATS ની ટીમે તેના પાસપોર્ટની ચકાસણી કરી આ પ્રકારે અન્ય કેટલા લોકો પાસે નકલી પાસપોર્ટ છે તેમજ નકલી પાસપોર્ટ કાઢવ્યા બાદ કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે. કઈ રીતે નકલી પાસપોર્ટ મેળવ્યો છે વગેરે જેવી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.