Friday, October 18News That Matters

ઉમરગામ બેઠક પર બી. સી. વારલી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા

રાજ્યમાં ચૂંટણીનો માહોલ ધીરેધીરે જામી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ત્યારે વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે ભાજપ તરફથી ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લાની 3 હાઇ પ્રોફાઇલ બેઠક ગણાતી કપરાડા, પારડી અને ઉમરગામ વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે ગુરુવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ઉમરગામ બેઠક માટે દાવેદારી નોંધાવનારા બજરંગ વારલીએ જિલ્લાના તમામ કાર્યકરોનું તેમજ પીઢ નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું. 
વલસાડમાં વશિયર ખાતે શ્રી પાર્ટી પ્લોટમાં ગુરુવારે રાજ્યના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની નિરીક્ષકો તરીકેની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે, બજરંગ વારલી પણ પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતાં. બી. સી. વારલી ના હુલામણા નામે જાણીતા અને વારલી સમાજમાં આગવી પ્રતિભા ધરાવતા બજરંગ વારલી મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચતા જિલ્લાની કપરાડા, પારડી બેઠકના કાર્યકરો દાવેદારો તેમજ વલસાડ ના કાર્યકરો અચંબિત થયાં હતા.
બજરંગ વારલી GIDC ના ચીફ એન્જીનીયર, ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપવા સાથે તે સમગ્ર ગુજરાતમાં જાણીતા છે. વારલી સમાજના અગ્રણી અને નેતા મનાય છે. વારલી સમાજ ઉપરાંત અન્ય તમામ સમાજમાં તેમનું પ્રભુત્વ છે. જે સાબિત કરવા તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવ્યા હતાં. બજરંગ વારલી સાથે ઉમરગામના અને વાપીના જાણીતા ઉદ્યોગકારો, સરપંચો સભ્યો, તાલુકા પંચાયત ના સભ્યો સહિત ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ઉમરગામ બેઠક પર આ વખતે બજરંગ વારલીને ટીકીટ આપવા રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે બજરંગ વારલીના પિતા છગનભાઇ વારલી ઉમરગામમાં ભાજપના પીઢ નેતા હતાં. જે સમયે કોંગ્રેસની બોલબાલા હતી અને ઉમરગામ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ત્યારે, ભાજપ તરફથી ઉમરગામ બેઠક પર પહેલી વખત છગનભાઇ વારલી ને ટીકીટ આપવામાં આવી હતી. જો કે તે સમયે ભાજપ નો આ વિસ્તારમાં કોઈ લેવાલ ના હોય ભાજપના ઉમેદવારે હાર સહન કરવી પડી હતી. પરંતુ તે બાદ ઉમરગામમાં ભાજપે પક્કડ જમાવી હોય આજે ઉમરગામ ભાજપ નો ગઢ ગણાય છે. અને રમણ પાટકર સતત 5 વખત ચૂંટણી જીતતા રહ્યા છે. જો કે આ વખતે પાટકરની ઉમર નો બાધ અને કાર્યકરો સાથેની વ્હાલા દવલાની નીતિ સામે નારાજગી નો સુર છે. ત્યારે, આ વખતે આ બેઠક પર ભાજપ બી. સી. વારલી ને ટીકીટ આપશે તો વધુ મોટી સરસાઈ થી ભાજપના આ ગઢ ને યથાવત રાખશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *