ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આખરે ભાજપે નો-રિપીટ થિયરીને કોરાણે મૂકી મોટાભાગના ઉમેદવારોને રિપીટ કર્યા છે. ત્યારે, વલસાડ જિલ્લામાં તમામ પાંચેય બેઠક પર જુના જોગીઓને રિપીટ કરી મતદારોને મોટો આંચકો આપ્યો છે. ભાજપની આ રિપીટ થિયરીને જોઈ ભાજપના નેતાઓએ આપ અને કોંગ્રેસ તરફી મતદારોનો જુવાળ જોઈ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળ્યું હોવાની ચર્ચા મતદારોમાં ઉઠી છે.
વલસાડ જિલ્લામાં 178 ધરમપુર, 179 વલસાડ, 180 પારડી, 181 કપરાડા અને 182 ઉમરગામ એમ કુલ 5 વિધાનસભા બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપના કબ્જામાં છે. ત્યારે આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ તમામ બેઠકો પર એના એજ જુના નેતાઓને ફરી ટીકીટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ ડરી ગઈ હોવાનો એહસાસ મતદારોને કરાવ્યો છે.
તમામ બેઠકમાં ધારાસભ્યના ઉમેદવારો રિપીટ થયા…..
વલસાડ જિલ્લામાં ભાજપે 178 ધરમપુરમાં અરવિંદ છોટુભાઈ પટેલ, 179 વલસાડમાં ભરતભાઇ કિકુંભાઈ પટેલ, 180 પારડીમાં કનુભાઈ મોહનભાઇ દેસાઈ, 181 કપરાડામાં જીતુભાઇ ચૌધરી અને 182 ઉમરગામ વિધાનસભા બેઠક માટે રમણલાલ નાનુંભાઈ પાટકરને ટીકીટ આપી છે. આ તમામ બેઠકમાં ધારાસભ્યના ઉમેદવારો રિપીટ થયા છે.
2017માં કોણે કેટલી લીડ મેળવી……
વલસાડ જિલ્લામાં રિપીટ થયેલ તમામ ધારાસભ્યની અગાઉની ચૂંટણીમાં મળેલા મતની વાત કરીએ તો, 2017માં ધરમપુર બેઠક પર અરવિંદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 22246 મતની લીડથી વિજયી બન્યા હતાં. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત પટેલ 43092ની લીડથી વિજયી બનેલા, પારડી બેઠક પર ભાજપના કનું દેસાઈ 52,086 મતની લીડથી વિજયી બનેલા, કપરાડા બેઠક પર તે વખતે જીતુ ચૌધરી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને માત્ર 170 મતની લીડથી વિજયી બન્યા હતાં. જીતુ ભાઈ ચૌધરીએ તે બાદ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈને જંગી લીડથી કોંગ્રેસના ઉમેદવાર ને હરાવ્યો હતો. ઉમરગામ બેઠક પર ભાજપના રમણલાલ પાટકર 41,690 મતની લીડથી વિજયી બન્યા હતાં.
2012માં કોણે કેટલી લીડ મેળવી………
વર્ષ 2012માં ધરમપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પટેલ ઈશ્વરભાઈ ધેડાભાઈ અને ભાજપના ચૌધરી સુમિત્રા બેન બટુકભાઈ વચ્ચે સર્જાયેલ રસાકસીમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશ્વર પટેલે સામે 15298 મતની લીડથી વિજય મેળવ્યો હતો. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત પટેલ 35999 મતની લીડથી વિજયી બનેલા, પારડી બેઠક પર ભાજપના કનું દેસાઈ 37311 મતની લીડથી વિજયી બનેલા, કપરાડા બેઠક પર તે વખતે જીતુ ચૌધરી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને 18685 મતની લીડથી વિજયી બન્યા હતાં. ઉમરગામ બેઠક પર ભાજપના રમણલાલ પાટકર 28299 મતની લીડથી વિજયી બન્યા હતાં.
2007માં કોણે કેટલી લીડ મેળવી……..
વર્ષ 2007માં ધરમપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી છનાભાઈ કોલુભાઈને 62243 મત મળ્યા હતાં. ભાજપના ચૌધરી મણીભાઈ રામજીભાઈ ને 47,412 મત મળ્યા હતા. આ બેઠક કોંગ્રેસના ઉમેદવારે 16,831 ની લીડ થી જીતી હતી. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર દેસાઈ દોલતરાય નાથુભાઈને 68512 મત મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર પટેલ ધર્મેશ ભોળાભાઇ અંબેલાલને 54156 મત મળ્યા હતાં. ભાજપના ઉમેદવાર દોલત દેસાઈ 14356 મતની લીડથી વિજયી બનેલા, પારડી બેઠક પર ભાજપના પટેલ ઉષાબેન ગીરીશકુમારને 61740 મત મળ્યા હતાં. કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઇ બાબુભાઈને 51075 મત મળ્યા હતાં. ભાજપના ઉમેદવાર ઉષાબેન પટેલ 10665 મતની લીડથી વિજયી બનેલા, જ્યારે કપરાડા બેઠકને બદલે તે વખતે મોટપોન્ઢા બેઠક હોય જીતુ ચૌધરી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા જેઓને 63865 મત મળ્યા હતાં. ભાજપના ઉમેદવાર રાઉત બાબુભાઇ નારણભાઇ ને 41126 મત મળ્યા હતાં. આ બેઠક કોંગ્રેસના જીતુ ચૌધરી એ 17739 મતની લીડથી જીત મેળવી હતી. ઉમરગામ બેઠક પર ભાજપના રમણલાલ પાટકરને 85278 મત તો, કોંગ્રેસના ભરતભાઇ માધુભાઈ ધોડી ને 33667 મત મળતા ભાજપના રમણલાલ પાટકર 51611 મતની લીડથી વિજયી બન્યા હતાં.
આપ ના ત્રીજા ફેક્ટરે ભરોસો ભરખી લીધો…….?
જો કે પાછલી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રસાકસીનો જંગ હતો. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી ત્રીજું ફેક્ટર રચ્યું છે. જેમાં હાલની ભાજપ સરકારની અનેક ત્રુટીઓ મતદારો સમક્ષ રજુ કરી મતદારોને પોતાના તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. જેને લઈને ભાજપે તમામ મુરતીયાઓને રિપીટ કર્યા છે. તેવું મતદારોનું માનવું છે. અને તેઓના મતે ભાજપે જોખમ લેવાનું ટાળી નો-રિપીટ થિયરીને બદલે અન્ય પક્ષોની રાહમાં રિપીટ થિયરીને અમલમાં મૂકી છે.