સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને ભાજપે ચૂંટણી પ્રભારી તરીકે નિમ્યા છે. વૈષ્ણવ પણ હોંશેહોંશે દાદરા નગરમાં પધારી ભાજપના મુખ્ય કહેવાતા નેતાઓ સાથે અને કાર્યકરો સાથે બેઠકો કરી ચુક્યા છે. જો કે બેઠક દરમ્યાન ભાજપ માટે આ પેટા ચૂંટણી જીતવી ખુબજ કઠિન છે તેવી પ્રતીતિ થઈ જતાં. વૈષ્ણવે દાદરા નગર હવેલીના ચૂંટણી પ્રચાર પર ફોક્સ કરવાને બદલે રેલવેની સમસ્યાઓ પર અને રજૂઆતો પર ફોક્સ કરવાનું મુનાસીબ માન્યું છે.
રવિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ રેલમાર્ગે અશ્વિની વૈષ્ણવ વાપી રેલવે સ્ટેશને ઉતર્યા હતા તે બાદ સતત વિવિધ સમાજના લોકો તેમની પાસે વાપીથી રાજસ્થાન સહિતના લાંબા રૂટની ટ્રેઇનના સ્ટોપેજ અને વધુ ટ્રેન ની માંગણી કરતી રજુઆત કરવા પહોંચી ગયા હતાં. અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય રેલવેપ્રધાન છે. જેને હાલમાં દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણી માટે ભાજપે ચૂંટણી પ્રભારી તરીકે નીમ્યા છે. વૈષ્ણવે અહીં ચૂંટણી પ્રચાર કરી ભાજપને જીત અપાવવાની છે. પરંતુ દાદરા નગર હવેલીમાં કાર્યકરોને મળ્યા બાદ તેમને મોટો આંચકો લાગ્યો છે. કેમ કે આ ચૂંટણી જીતવી ભાજપ માટે મહામુશ્કેલ છે.
આ પ્રતિતી થયા બાદ વૈષ્ણવે પણ પોતાનો ટ્રેક બદલ્યો છે. જેમાં રેલવેની સમસ્યાઓ પર ફોક્સ કર્યો છે. અને એનો લાભ લેવા રાજસ્થાની સમાજ, વાપી વેપારી એસોસિએશન, દમણ જિલ્લા પંચાયત ના પ્રમુખ-સભ્યો, ખુદ દમણના સાંસદ ફુલોના ગુલદસ્તા લઈ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ને મળવા પહોંચ્યા હતાં. અને વાપી રેલવે સ્ટેશને સુવિધાઓમાં વધારો કરવા, આધરકાર્ડમાં વેરીફીકેશન ની સત્તાઓ આપવા, ટ્રેનની સ્ટોપેજ સહિતની સુવિધાઓ પુરી પાડવાની રજુઆત કરી આવ્યાં છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત ટર્મના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ દાદરા નગર હવેલીની સ્થાનિક પ્રજા વિફરી છે. તેઓનો રોષ ભાજપ પર છે. જેનો ફાયદો ઉઠાવવા મોહન ડેલકરના પુત્ર અભિનવે લોકસંપર્ક તેજ કર્યો છે. આ ચૂંટણી લડવાનું તેમણે મન બનાવ્યું છે. અને ભાજપને ભૂંડી હાર આપવાના સપના સેવ્યા છે. સ્થાનિક મતદારો પણ ડેલકર પરિવાર સાથે હોય ભાજપના કાર્યકરો ભૂંડી હાર માટે અથવા તો જીતીને પણ 2 વર્ષની સત્તા ભોગવવા માટે આ ચૂંટણીના નામે કાવડીયા ખર્ચવા માંગતા નથી.
અશ્વિની વૈષ્ણવ સમક્ષ એટલે જ કેટલાક ટીકીટ સાથે બીજી શરતો રાખી રહ્યા છે. જે સાંભળીને ચૂંટણી પ્રચાર માટે અને ટીકીટ ફાળવણી માટે આવેલા રેલવે પ્રધાન કમ ચૂંટણી પ્રભારીની બત્તી ગુલ થઈ ગઈ છે. દાદરા નગર હવેલી અને દમણ ભાજપમાં ચાલતી અંદરોઅંદરની ભાજગંડ ને જોયા સાંભળ્યા પછી હવે આ શાણા પ્રધાને પોતાના વિભાગ એવા રેલવે વિભાગની સમસ્યાઓના નિરાકરણ પર લક્ષ્ય સાધ્યું છે. જે જોતા આવનારા દિવસોમાં દાદરા નગર હવેલીમાં ભાજપનું જે થવાનું હોય તે થાય પણ વાપી રેલવે સ્ટેશને સુવિધાઓમાં સુધારો-વધારો જરૂર થશે.