વાપી GIDC માં આવેલ આરતી એસિડ પ્લાન્ટમાંથી ઝઘડિયા જઈ રહેલ ટેન્કરમાંથી ઉડેલા એસિડના છાંટાથી ખાનગી કંપનીની બસમાં સવાર 6 જેટલા કામદારો દાઝી ગયા હતાં. જેઓને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જ્યાંથી 1 કામદારને ઓબ્જર્વેશનમાં રાખી તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. ઘટના એસિડ ભરેલ ટેન્કરના એરવેન્ટમાંથી ઉડેલ છાંટાના કારણે ઘટી હતી. જો કે, નેશનલ હાઇવે પરના ખાડાથી ટેન્કર પલ્ટી મારતા બચી ગયું હતું. અને સદનસીબે મોટી જાનહાની ટળી હતી.નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા ખાડા જીવલેણ નીવડી રહ્યા છે. ત્યારે, ગુરુવારે આવા જ ખાડામાં એસિડ ભરેલ ટેન્કરનું વ્હીલ ખાબકયા બાદ મોટી દુર્ઘટના ટળી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ નેશનલ હાઈવે નંબર 48 પર વાપી GIDC ખાતે આવેલી આરતી કંપની ના એસિડ પ્લાન્ટમાંથી કેમિકલ ભરી ટેન્કર નંબર MH-04-KU-3636 અંકલેશ્વરના ઝઘડિયા જવા નીકળ્યું હતું. ટેન્કર હજુ તો માંડ બલિઠા પહોંચ્યું હતું. ત્યાં નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓમાં ટેન્કરનું વ્હીલ પડતા એસિડ ભરેલ ટેન્કરના એરવેન્ટમાંથી એસિડ છલકાયું હતું. જેના છાંટા નજીકમાંથી પસાર થતી અને મોરાઇ ખાતે આવેલી વેસ્ટરોક કંપનીના કામદારોને લઈ જતી બસમાં સવાર કામદારોને ઉડ્યા હતાં. જલદ એસિડના છાંટા ઉડતા બસમાં સવાર 6 જેટલા કામદારોના શરીરે બળતરા ઉઠી હતી. નવાઈની વાત એ હતી કે, બસમાં બેસેલા કામદારો પૈકીના જે. એન. સીંગનાં જણાવ્યા મુજબ બસની બારીઓ બંધ હતી અને બંધ બારીમાંથી અમુક છાંટાઓ ઉડીને બસની અંદર પડ્યા હતા. જો બસની બારીઓ ખુલ્લી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ઘટના અંગે આરતી ઇન્ડસ્ટ્રીઝના રીકેન ટંડેલ સાથે ટેલીફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આરતીના એસિડ પ્લાન્ટમાંથી એસિડ ભરીને ટેન્કર નીકળ્યું હતું. તે દરમ્યાન બલિઠા પાસે ઘટના ઘટી હતી. જેમાં દાઝેલા કામદારોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેમની કંપનીના તબીબે પણ તમામ કામદારોને તપાસ્યા હતાં. દરેક સામાન્ય દાઝ્યા છે. જેઓને જરૂરી ટ્રીટમેન્ટ બાદ રજા આપી છે. એક કામદારને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યો છે. ઘટના અંગે કંપની તરફથી પણ બનતી મદદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે પરના ખાડાઓથી દરરોજ અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેકવાર લોકોના જીવ જાય છે. વાહનોમાં નુકસાન થઇ રહ્યું છે. ત્યારે આજની આ ઘટનામાં જો ટેન્કર પલ્ટી ગયું હોત તો કેટલી મોટી દુર્ઘટના બની જાત એ કલ્પના કરવી પણ કંપારી છૂટે તેવી છે. ત્યારે, નેશનલ હાઇવે ઓથોરિટી આ અંગે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નેશનલ હાઇવેના ખાડામાં પુરાણ કરે તે જરૂરી છે.