વાપીમાં આજકાલ ટ્રાફિક રૂટ ડાયવર્ટ કર્યા બાદ શહેરમાં નવા માર્ગો બનાવવા સાથે તેની મરામત કરવામાં આવી રહી છે. જો કે આ મરામતનું કામ પાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે. તે જાણે રીતસરની લીપાપોતી કરી દુબઈ નો ખર્ચો કાઢવા માંગતા હોય તેવું તેના કામ પરથી પ્રતિત થઈ રહ્યું છે. આ કામ પર જેણે સીધી નજર રાખવાની હોય છે. તેવા કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરના તકલાદી કામ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. વાત તો એટલે સુધી સંભળાય રહી છે કે કનુભાઈના ખાસ અને ડાબો-જમણો ગણાતા પદાધિકારીઓ આ તકલાદી કામ કરાવી કનુભાઈના નામ પર જ બટ્ટો લગાવી રહ્યા છે.
વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. નગરપાલિકા દ્વારા હાલમાં ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે પાલિકાના સત્તાધીશોએ રોડની મરામત સહિત વાહનચાલકોને વાહન ચલાવવામાં સુગમતા રહે તે માટે માર્ગ પર થર્મોપ્લાસ્ટ (સફેદ પટ્ટા) ની કામગીરી કરાવી છે. જો કે આ સફેદ પટ્ટા નું કામ જે કોન્ટ્રાક્ટરે કર્યું છે. તેમાં રીતસરની લીપાપોતી થઈ હોવાનું ફલિત થઈ રહ્યું છે. વાપી પાલિકાથી કચીગામ તરફના રોડ પર તેમજ બજાર તરફના રોડ પર તેમજ ડાયવર્ટ રોડ પર કોન્ટ્રાકટર દ્વારા સફેદ પટ્ટા મારવામાં આવ્યા છે. જેમાં કોન્ટ્રાક્ટરે માર્ગ પરની ધૂળ સાફ કર્યા વિના જ અને યોગ્ય મટીરીયલ નો ઉપયોગ કર્યા વિના જ કે લાઇન દોરી માપ્યા વિના જ થર્મોપ્લાસ્ટની કામગીરી કરી મસમોટા બીલના પૈસા ગજવે ઘલવાના મનસૂબા સેવ્યા છે.
અહીં એ વાત પણ નોંધનીય છે કે, આ કામગીરી પર જેણે સીધી નજર રાખવાની છે તે કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના ખાસ છે તેવું માને છે. એટલે પાલિકાની આવી દરેક વિકાસની કામગીરીમાં પોતાની રીતસરની મનમાની ચલાવી રહ્યા છે. જાણે કે તેમને કહેવાવાળું કોઈ છે જ નહિ. આ બેફામ બનેલા પદાધિકારીઓ સ્વચ્છ છબી ધરાવતા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના નામ પર વધુ બટ્ટો લગાવે તે પહેલાં નાણાપ્રધાન પોતે તેની સામે લાલ આંખ કરે તે જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ વાપીને દુબઇ સીટી જેવું બનાવવા પાલિકાના ચીફ ઓફિસર સહિતની ટીમ અને કોન્ટ્રાક્ટરો દુબઈ પ્રવાસે ગયા હતાં. ત્યારે આ દુબઇ પ્રવાસનો ખર્ચ ઉઠાવનાર કોન્ટ્રાક્ટરો જાણે તે વસુલ કરવા માંગતા હોય તેમ થર્મોપ્લાસ્ટ સહિતની કામગીરીમાં લીપાપોતી કરી તગડું બિલ બનાવવાના મનસૂબા સેવી રહ્યા છે કે શું તે સવાલ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે.