કેન્દ્ર સરકારનાં મંત્રાલય સાથે સંકળાયેલાં કામને પાર પાડવા માટે પ્રતિનિધિ તરીકે સાંસદ (MP) છે. આ માટે એક નહિ આવા અનેક ઉદાહરણ છે. જેમાંથી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના ઉદ્યોગપતિ પ્રતિનિધિઓએ બોધપાઠ મેળવી સરીગામ એસ્ટેટને મળતા ફાયદાનો લાભ ઉઠાવવો જોઈએ. બસ, એના માટેનો એક જ ફંડા છે. ‘પ્રોપર ચેનલ’
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી પસાર થતી વેસ્ટર્ન રેલવે લાઇન પરના LC ગેટ નંબર 73 પર વર્ષોથી ROB બનાવવાની માંગ ફળીભૂત થયા બાદ હાલ આ ROB નું કામકાજ જોરશોરથી ચાલી રહ્યું છે. પરંતુ, ભિલાડમાં LC ગેટ નંબર 74 નજીક જ નેશનલ હાઇવે નંબર 48 લાગુ હોય આ અકસ્માત ઝોન પર અત્યાર સુધીમાં અનેક ગમખ્વાર અકસ્માતોએ માનવ જિંદગી છીનવી લીધી છે.
આ LC ગેટ નંબર 74 પર ROB બને તો તેનો સૌથી મોટો ફાયદો સરીગામ ઇન્ડસ્ટ્રીઝ ને થવાનો છે. તેવી રજૂઆતો બાદ અહીં ટેક્નિકલ કારણોસર ROB બનાવવાનું પડતું મૂકી તેના સ્થાને LC ગેટ નંબર 73 પર ફોરલેન બ્રિજ મંજુર કર્યો હતો. આ ફોરલેન બ્રિજથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને અનેકગણો ફાયદો થવાની આશા સેવાઈ છે.
પરંતુ કદાચ SIA આવા લોકોપયોગી અને સરકારના ડ્રિમ પ્રોજેકટ માટે પ્રોપર ચેનલનો ફંડા અપનાવતા નથી. એક સમય હતો જ્યારે આ કમી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં પણ હતી. પરંતુ તેઓ પ્રોપર ચેનલનો ફાયદો મેળવવાનું શીખી ગયા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારને ટ્રેનના સ્ટોપેજની સગવડ આપવામાં સાંસદ ધવલ પટેલે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. ઉમરગામ વિસ્તારને વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવા સાંસદ ધવલ પટેલ એક તરવરિયા યુવા નેતાની જેમ કાર્ય કરી રહ્યા છે. અને હાલમાં એમણે જે કામગીરી ઉમરગામને ટ્રેનનું સ્ટોપેજ આપી કરી બતાવી છે. એ ખરેખર બિરદાવવા લાયક છે.
આપને જાણીને નવાઈ લાગશે કે, ઉમરગામ રોડ રેલવે સ્ટેશનને જરૂરિયાત વાળી ટ્રેનના સ્ટોપેજ મળે એ માટે સ્થાનિક નેતાઓએ અને ઉદ્યોગકારોએ શરુઆતમાં ઊંધો ટ્રેક પસંદ કરી લીધો હતો. જે ટ્રેક પર તેઓને માત્ર વાયદા મળતા હતાં. જો કે, તે બાદ તેમણે પ્રોપર ચેનલથી જવાનું પસંદ કર્યું અને સાંસદને ટ્રેનના સ્ટોપેજ માટે રજુઆત કરી જે રજુઆત ખૂબ જ ટૂંકા દિવસોમાં ફળીભૂત થઈ છે.
આ SIAએ માટે પણ બોધપાઠ છે. તેમણે પણ સરીગામ એસ્ટેટમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન, વૉટર ફેસિલિટીઝ, પમ્પિંગ સ્ટેશન, સોલીડ વેસ્ટનાં નિકાલ માટે જરૂરી જમીન, એસ્ટેટમાં સુવિધાજનક રોડ, પૂરતા પ્રમાણમાં પાણી, કેમિકલ અને પ્લાસ્ટિક, પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે ઉપયોગી કેન્દ્રીય નીતિ, સેન્ટ્રલ ઇસ્યુઝ સહિતની અન્ય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી એસ્ટેટના ઉદ્યોગને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય એ માટે કેન્દ્ર સરકારનાં મંત્રાલયમાં પ્રતિનિધિ તરીકે સંકળાયેલાં MP (સાંસદ) સાથે સંબંધો કેળવી તેમને રજૂઆતો કરવી હિતાવહ છે.