ગુજરાત રાજ્ય કર વિભાગ દ્વારા પ્રદેશના રાજ્ય કરદાતાઓને આવતા પડકારો અને અવરોધો વિશે સમજવા માટે, વલસાડ જિલ્લાના ઉદ્યોગ સંગઠનો, ઉદ્યોગો અને વેપારી સભ્યો અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં સુરત ડિવિઝન 8 ના સ્ટેટ ટેક્સ વિભાગના જોઈન્ટ કમિશનર શ્રીમતી ક્રિષ્નાબેન ઠક્કર, વલસાડના રેન્જ 18 ના સ્ટેટ ટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી ગુલાબભાઇ ચૌધરી, વાપી યુનિટ 73 ના સ્ટેટ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શ્રીમતી કોમલ મંગલમ, વાપી યુનિટ 74 ના સ્ટેટ ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શ્રી રોહન મહેતા, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ના પ્રમુખ શ્રી સતિષ પટેલ, ઉપપ્રમુખ શ્રી મગન સાવલિયા, માનદમંત્રી શ્રી કલ્પેશ વોરા, સહ માનદમંત્રી શ્રી ચંદ્રેશ મારુ, VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર શ્રી એ.કે.શાહ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ના માનદમંત્રી શ્રી કૌશિક પટેલ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) ના પ્રમુખ શ્રી નરેશ બંથિયા, પારડી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (PIA) ના પ્રમુખ શ્રી નીતિન પટેલ, વાપી સ્ટેટ ટેક્સ વિભાગના અધિકારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, VIA ના સભ્યો અને ટ્રેડ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સતિષભાઈએ તેમના સ્વાગત પ્રવચન દરમ્યાન ઉપસ્થિત તમામ મહાનુભાવો, ઉદ્યોગોના સભ્યો અને સલાહકારોને આવકાર્યા હતા. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે વિભાગ દ્વારા ખાસ કરીને કરદાતાઓ અને સલાહકારો દ્વારા નિયત સમયમાં રિટર્ન ફાઇલિંગ વધારવા માટે કરદાતાઓના પડકારોને સમજવા અને ઉકેલવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી ક્રિષ્નાબેને ઉપસ્થિતોને તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે રાજ્ય કર વસૂલાતની દ્રષ્ટિએ સૌથી વધુ રેવન્યુ જનરેટર તરીકે ગુજરાત ગ્રોથ એન્જીન છે અને ગુજરાત રાજ્યનું ઉચ્ચતમ કર કલેક્ટર વાપી છે. તેમણે રાજ્યનું કરવેરા રિટર્ન સમયસર ભરવા માટે ઉદ્યોગકાર મિત્રોને પ્રોત્સાહન આપ્યું. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય નિયત તારીખો દરમ્યાન રિટર્ન ભરવાનું કારણ સમજાવવાનો હતો.
ત્યારબાદ શ્રી ગુલાબભાઈએ તેમના સંબોધન દરમિયાન વાપી રાજ્ય કર એકમોના સ્ટેટ ટેક્સ કલેક્શન અને ટેક્સ ફાઇલિંગ રેશિયોનો ડેટા પૂરો પાડ્યો અને પછી ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રાજ્યના ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ કરવા અંગેની તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો.
શ્રી રોહન મહેતાએ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે નિલ રિટર્ન ફાઇલિંગ અને સમયસર રિટર્ન ફાઇલિંગ વિશેનો ડેટા પણ દર્શાવ્યો હતો. આ ઇન્ટરેક્ટિવ મીટિંગ હાજર તમામ લોકો માટે ખૂબ ફળદાયી હતી.