કબડ્ડી એ ભારતનો રાષ્ટ્રીય ખેલ મનાય છે. જેને વધુ પ્રોત્સાહન મળે, યુવાનોમાં આ ખેલ પ્રત્યે રુચિ વધે તેવા ઉદ્દેશ્યથી વાપીમાં હિન્દૂ પ્રીમિયર લીગ પુરુષ કબડ્ડી પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીની રોફેલ કોલેજ ખાતે આયોજિત આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યમાંથી આવેલી 50 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
હિન્દૂ સમાજના યુવાનોને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી વાપીમાં હિન્દૂ પ્રીમિયર લીગ-2 પુરુષ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીની રોફેલ કોલેજ ખાતે આયોજિત એક દિવસીય ટુર્નામેન્ટનું સ્વામિનારાયણના સંત કપિલ સ્વામી, નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહ સહિત હિન્દૂ સંગઠન, સંસ્થાના આગેવાનો, વાપી ડિવિઝનના DYSP સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ કબડ્ડી ટુર્નામેન્ટ અંગે આયોજક અને VHP ના વાપીના સંયોજક નરેન્દ્ર પાયકે જણાવ્યું હતું કે, કબડ્ડી એ આપણી રાષ્ટ્રીય રમત છે. જેમાં વધુને વધુ યુવાનો જોડાય ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 2 વરસથી યોજાતી હિન્દૂ પ્રીમિયર લીગમાં આ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા જેવા રાજ્યોમાંથી અંદાજિત 50 જેટલી ટીમોએ ભાગ લીધો છે.
માત્ર પુરુષો માટે આયોજિત આ ટુર્નામેન્ટમાં મુંબઈના ભાયંદરથી 2 મહિલા કબડ્ડી ટીમ ની ખેલાડીઓએ પણ ભાગ લીધો છે. કબડ્ડી ટુર્નામેન્ટનું ગુજરાત કબડ્ડી એસોસિએશન સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં રાજ્ય લેવલની, રાષ્ટ્રીય લેવલની અને જિલ્લા લેવલની ટીમોએ ભાગ લીધો છે. યુવાનોમાં કબડ્ડી ના ખેલ પ્રત્યે રુચિ વધે તેમની પ્રતિભામાં નિખાર આવે તે ઉદેશ્ય થી આયોજિત આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 25555 રૂપિયાનું રોકડ ઇનામ, ટ્રોફી અને મેડલ એનાયત થશે. રનર્સ અપ રહેનાર ટીમને 15555 રૂપિયા રોકડ ઇનામ, ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટમાં મહારાષ્ટ્રમાંથી 13 ટીમ ઉપરાંત વાપીની શાળા-કોલેજની ટીમ, અમદાવાદની કર્ણાવતી, સાબરમતી, વડોદરા MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાંથી ખેલાડીઓએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આયોજક સંસ્થા દ્વારા મહેમાનોને, મેચ રેફરીઓને ગીતા અર્પણ કરી બહુમાન કર્યું હતું. હિન્દૂ પ્રીમિયર લીગ કબડ્ડી ટુર્નામેન્ટમાં ઉપસ્થિત તમામ 50 ટીમના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ હુતુતુતું ની આ રાષ્ટ્રીય રમતને રોમાંચક બનાવી હતી.